Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

ઉમરગામ દબાણને દૂર કરવા માટે પીડબ્લ્યુડીએ બંદોબસ્ત હાથ ધર્યો

ઉમરગામ:ના સંજાણ ગામે ઉદવા રોડ પર લાબાં સમયથી રોડને અડચણરૂપ કરાયેલા દબાણોને દુર કરવા પીડબ્લ્યુડી વિભાગે આજે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી લારી-ગલ્લા અને કેબિનો સહિતના ૧૦૦થી વધુ દબાણોને દુર કર્યા હતા. જોકે આ કામગીરી દરમિયાન દબાણકારોએ અધિકારીઓ સાથે ભારે રકઝક કરી હોબાળો મચાવ્યો હતો.

સંજાણના ઉદવા રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી રોડને અડચણરૂપ લારી, કેબિન સહિતના અનેક દબાણો કરાતા ટ્રાફિકની સમસ્યા જટીલ બની હતી. પીડબ્લ્યુડી વિભાગ દ્વારા દબાણો દુર કરવાની કામગીરી પૂર્ણ કર્યા બાદ ફરીથી દબાણો થઇ જતા હતા. રોડને અડચણરૂપ દબાણોને કારણે લાંબા સમયથી ઉભી થયેલી સમસ્યાને લઈ તંત્રને ફરિયાદો કરવામાં આવી હતી. દરમિયાન આજે પીડબ્લ્યુડી વિભાગના અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ઉમરગામ મામલતદાર, કર્મચારીઓ પોલીસના કાફલા સાથે દબાણો દુર કરવા પહોંચી ગયા હતા. અને જેસીબીની મદદથી રોડને અડચણરૂપ દબાણો પર હથોડા મારવાનું શરૂ કરાયું હતું. 
આ કામગીરી દરમિયાન કેટલા મોટામાથા ગણાતા દબાણકારોએ અધિકારી સાથે ભારે રકઝક કરી હોબાળો મચાવી દીધો હતો. અને કામગીરી સામે ભારે આક્રોશ પણ ઠાલવ્યો હતો. કેટલાક દબાણકારોએ રોડને અડચણરૂપ પાકા દબાણો દુર કરવાનું જણાવતા પાકા દબાણો પણ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ અભિયાન અંતર્ગત રોડને અડચણરૂપ ૧૦૦થી વધુ દબાણો દુર કરાયા હતા. રોડની મધ્યથી ૯ મીટર સુધીના દબાણો દુર થયા હતા. 

(5:12 pm IST)