Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

'મોબ લેન્ચીંગ્સ' કિસ્સાઓમાં કસુરવાન અધિકારીઓને ઘેર બેસાડવા સુધીના આકરા પગલાની ડીજીપીની ચેતવણી

ટોળાઓ દ્વારા કાયદો હાથમાં લઈને હત્યાઓ કરવાના ગુજરાતમાં વધતા બનાવોનો પડઘો : રાજ્યભરના એસપીઓ અને પોલીસ કમિશ્નરોની વિડીયો કોન્ફરન્સમાં શિવાનંદ ઝા આકરા પાણીએ

રાજકોટ, તા. ૨૭ :. ગુજરાતમાં ટોળાઓ દ્વારા અવારનવાર કાયદો હાથમાં લઈ કોઈનું મૃત્યુ નિપજે તે રીતે મોબ લેન્ચીંગ્સની વધતી જતી ઘટનાઓ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જેની નોંધ લેવામાં આવી છે તેવી આ ઘટના સામે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યભરના પોલીસ કમિશ્નરો અને જિલ્લા પોલીસ વડાઓની વિડીયો કોન્ફરન્સમાં આવી ઘટનાઓ સખ્ત હાથે દાબી દેવા અને તેમા કસુર થયે કસુરવાન પોલીસ અધિકારીઓને ઘેર બેસાડવા કે ખાતાકીય તપાસ સુધીના આકલા પગલાની ચેતવણી આપ્યાનું સૂત્રો જણાવે છે.

પોલીસ કમિશ્નરો અને જિલ્લા પોલીસ વડાઓને પોતાની ચેમ્બરમાં બેસી રહેવાને બદલે તેમના તાબાના વિસ્તારોની મુલાકાત લઈ લોકોને મળી આવી કોઈ પરિસ્થિતિ ઉદભવવાની જાણકારી મળ્યે કે કંઈ અજુગતુ બનવાની ભીતિ સંદર્ભે જે તે વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રાખવા પણ ડીજીપી શિવાનંદ ઝાએ સૂચવ્યાનું સૂત્રો જણાવે છે.

મોબ લેન્ચીંગ્સના કસુરદારોના કેસમાં દાખલારૂપ સજા થાય તે માટે મજબુત પુરાવાઓની સાંકળ ગુંથવા સાથે ચાર્જશીટ પણ સમય મર્યાદામાં જ અદાલતમાં રજુ થાય તેવી ખાસ તાકીદ વીસીમાં કરી હતી. તેઓએ આવી ઘટનાઓ નિવારવાની કાળજી લેવા સાથે સંબંધક વ્યકિતને રક્ષણ પુરૂ પાડવા અપીલ કરી હતી. આ વા કાર્યમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ કે સ્ટાફને સસ્પેન્ડ કરી ખાતાકીય પગલા લેવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી.

તેઓએ વિડીયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડાઓને નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવવા સમયાંતરે મોબ લેન્ચીંગ્સ ઘટના ગંભીર ગુન્હો છે તેની શિખ તાબાના સ્ટાફને આપવા પણ સૂચવ્યાનું સૂત્રો જણાવે છે.

(4:07 pm IST)