Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍યોએ ભાંગરો વાટયોઃ અમિત ચાવડાને મહાન સપૂત કહયા

ગુજરાત રાજયસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ૮ ધારાસભ્‍યોમાંથી પ પૂર્વ ધારાસભ્‍યોએ આજે વિધિવત રીતે કેસરીયો ધારણ કરી લીધો છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘણી, પ્રવકતા ભરતભાઇ પંડયા સહિત અન્‍ય નેતાઓની ઉપસ્‍થિતિમાં કોંગ્રેસના અબડાસાના પૂર્વ ધારાસભ્‍ય પ્રદ્યુમનસિંહ  જાડેજા, મોરબીના પૂર્વ ધારાસભ્‍ય બ્રિજેશ મેરજા, કરજણના પૂર્વ ધારાસભ્‍ય અક્ષય પટેલ, કપરાડાના પૂર્વ ધારાસભ્‍ય જીતુ ચૌધરી અને ધારીના પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડીયાએ ભાજપની કમલમ ખાતેની ઓફીસે ભગવો ધારણ કર્યો છે.

પણ ભગવો ધારણ કરતી વેળાએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍યોએ જાહેર મંચ પરથી જ ભાંગરો વાટયો હતો. દરમિયાન ત્‍યાં હાજર ભાજપના નેતાઓ મુંઝવણમાં મુકાયા હતાં. કરજણના પૂર્વ ધારાસભ્‍ય અક્ષય પટેલે નરેન્‍દ્રભાઇ મોદી અને અમિત ચાવડાનું નામ બોલી જતા ત્‍યાં હાજર ભાજપ નેતાઓએ એમની ભૂલ સુધારી હતી. તો બીજી બાજુ ધારીના પૂર્વ ધારાસભ્‍ય જે. વી. કાકડીયાએ જણાવ્‍યું હતું કે હું ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્‍યો છું. તો એમની ભૂલ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘણીએ સુધારી હતી.

આ બન્ને નેતાઓના જાહેરમાં નિવેદનથી ભાજપના નેતાઓ મુંઝવણમાં મુકાયા હતા. જો કે હજુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍યો લીંબડીના સોમા ગાંડા પટેલ, ગઢડાનાં પૂર્વ ધારાસભ્‍ય પ્રવિણ મારૂ, ડાંગનાં પૂર્વ ધારાસભ્‍ય મંગળ ગાવિતે ભાજપમાં જોડાવા અંગે શું નિર્ણય લીધો છે એ જાણવા મળ્‍યું નથી.

ભાજપ પ્રવેશોત્‍સવમાં સોશિયલ ડિસ્‍ટન્‍સના ઉડયા ધજાગરા

કોરોના કહેર વચ્‍ચે રાજય સરકાર દ્વારા સોશ્‍યિલ ડિસ્‍ટન્‍સ અને માસ્‍ક માટે ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે અને આરોગ્‍ય વિભાગનીગાઇડ લાઇન મુજબ જાહેર મેળાવડા બંધ કરવામાં આવ્‍યા છે. ત્‍યારે ભાજપ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના ધારાસભ્‍યો માટે પ્રવેશોત્‍સવ રાખવામાં આવ્‍યો હતો. જેમાં કમલમની બહાર દરેકનું તાપમાન ચેક કરવામાં આવી રહ્યું હતું. જેમાં સોશ્‍યિલ ડિસ્‍ટનસના લીરે લિરા ઉડતાં દેખાયા હતા.

ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસના ધારાસભ્‍યોના ભાજપ પ્રવેશ કાર્યક્રમ દરમિયાન કોરોના ભુલાયો હોય તેમ લાગી રહ્યું હતું અને સોશ્‍યિલ ડિસ્‍ટનસની એસીકી-તૈસી થઇ હતી જયારે સામાન્‍ય માણસ દ્વારા આવી રીતે સોશ્‍યિલ ડિસ્‍ટનસિંગનું પાલન કરવામાં ન આવે ત્‍યારે તેની પાસેથી દંડ વસુલવામાં આવે છે તો હવે શું આ નેતાઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે.

(5:14 pm IST)