Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત ફરીવાર લથડી; ઇન્ફેક્શન લાગ્યું

એક મહિનો આરામ કરવા ડોક્ટરોની સલાહ :બહારના કોઈ વ્યક્તિને મળવા પર મનાઈ

 

અમદાવાદ :રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત ફરીથી લથડી છે. અગાઉ તેમને ન્યુમોનિયા થયો હતો. ત્યાર બાદ તેમને હાર્ટમાં પણ તકલીફ ઉભી થઇ હતી. મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં તેમને લઇ જવાયા હતા જ્યાં તેમની નળીમાં બ્લોકેજ આવ્યું હતું. હાર્ટ સર્જનોઓએ તેમના પર બાયપાસ સર્જીરી કરી હતી. તેમજ ઇન્ફેક્શન દુર કરવાની સારવાર પણ આપી હતી.

   મુંબઇની હોસ્પિટલમાં લાંબા સમય સુધી સારવાર લીધા બાદ કૌશિક પટેલ અમદાવાદ પરત આવ્યાં હતા. તેમજ સચિવલાયમાં પોતાની ઓફિસમાં આવી રૂટિન કાર્ય શરૂ કરી દીધું હતું. થોડા દિવસ સુધી તબિયત સારી રહ્યાં બાદ તેમની તબિયત લથડી છે. હવે તેઓ સ્વર્ણિમ સંકૂલ આવી શકતા નથી. સુત્રો જણાવે છે કે તેમને ફરીથી ઇન્ફેક્શન થયું છે.

   ડોક્ટરોએ કૌશિક પટેલને સતત એક મહિના સુધી રેસ્ટ લેવાની સલાહ આપી છે. એટલું નહીં સમય દરમિયાન બહારના એક પણ માણસને મળવા પર પાબંદી લગાવી છે. કારણ કે લોકોને મળવાના કારણે ઇન્ફેક્શન વધવાની શક્યતા છે. બીજી બાજુ ડોક્ટરોએ કૌશિક પટેલને થયેલું ઇન્ફેક્શન દુર કરવા માટેની ટ્રીટમેન્ટ પણ શરૂ કરી દીધી છે.

    કૌશિકભાઇના શરીરના અન્ય મહત્વના અવયવોને કોઇ હાની પહોંચે તેની પણ તકેદારી રાખવામાં આવી છે. બીજી બાજુ ચોથી જુલાઇથી વિધાનસભાનું બજેટ સત્ર ચાલું થઇ રહ્યું છે. સત્ર દરમિયાન મહેસૂલને લગતા પુછાનારા વિવિધ પ્રશ્નોના જવાબ કૌશિક પટેલને બદલે સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપશે.

(10:27 pm IST)