Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

પંચમહાલના હાલોલમાં લગ્નવાંચ્છુક યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સોઃ લગ્નની પ્રથમ રાત્રે પરિણીતા રૂપિયા લઇને ગાયબઃ ટોળકી ઝડપાતા પર્દાફાશ

પંચમહાલ :લગ્ન વાંછુક યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલના કાલોલમાં સામે આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકાના બરોલા ગામથી એક એવી ટોળકી ઝડપાઇ છે જે લગ્ન વાંચ્છુ યુવકોને પટાવી-ફોસલાવી પોતાની જાળમાં ફસાવીને યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ આપતી હતી, અને બાદમાં રૂપિયા પડાવી ગાયબ થઇ જતી હતી.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બરોલા ગામના સોમાભાઈ વણકરને પરિવારમાં એક પુત્ર અને બે દીકરીઓ છે. તેઓ પોતાના એકના એક 23 વર્ષના પુત્ર અરવિંદ માટે વહુ શોધી રહ્યા હતા, ત્યારે સમાજના કોઈ વ્યક્તિએ તેમને એક ગરીબ પરિવારની દીકરી છે, પણ તેના માટે તેના માતાપિતાને એક લાખ રૂપિયા રોકડા આપવા પડશે. લગ્ન માટે ઉત્સુક યુવક અરવિંદ પોતાના માતાપિતાને લઇ અગાઉથી નક્કી એક જગ્યાએ છોકરી જોવા માટે ગયા હતા. જ્યાં છોકરીના માતા પિતા સાથે વાત કરી હતી, અને અરવિંદને યુવતી ગમી ગઈ હતી. બંનેએ કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું. ગત 24 જૂનના રોજ છોકરા છોકરી તરફી બંને પરિવારો બરોડા કોર્ટ બહાર ભેગા થયા. બંને પક્ષ વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવનાર ઈસમોએ અરવિંદના પિતા સોમાભાઈ વણકર પાસેથી રોકડા રૂપિયા એક લાખ લઈ કોર્ટ મેરેજના નામે નોટોરાઈઝ એફિડેવિટ કરી આપી છોકરીને અરવિંદ સાથે તેના ગામ બરોલા મોકલી આપી. માત્ર નોટરી જેવા દસ્તાવેજોના આધાર કોર્ટ મેરેજ માની બેઠેલ યુવક અરવિંદ પોતાની પરિણીતા સંગીતાને ઘરે લઈ આવ્યો હતો, અને સમાજમાં પોતાની પત્ની બતાવી હતી. પરિવાર પણ દીકરાના લગ્નથી હરખાયેલા હતા. લગ્ન વિધિ પતાવી સમી સાંજે ઘરે આવેલા નવયુગલને લગ્નની પ્રથમ રાત્રિ હોય એકાંત આપવા માટે ઘરના પાછળના ભાગે સૂવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. આખા દિવસની લગ્ન પ્રક્રિયાની દોડભાગથી થાકી ગયેલા અરવિંદની આંખ લાગી ગઈ. મોડી રાત્રે પોતાની પાસે સૂતેલી પત્નીને જોતા તે બાજુમાં હતી. તેથી તેણે પરિવારને વાતની જાણ કરી હતી.

નવોઢા અને માસુમ લાગતી સંગીતા પોતાના પતિ અરવિંદના ઘરેથી લગ્નની પ્રથમ રાત્રિએ પૂર્વઆયોજિત કાવતરા પ્રમાણે ફરાર થઇ ગઈ હતી. લૂંટેરી દુલ્હન એવી સંગીતાને શોધતા ગામ નજીકથી અંધારામાં ઉભેલી એક રીક્ષામાં તેના અન્ય ત્રણ સાથીઓ સાથે મળી આવી. સમગ્ર મામલો ચર્ચાને ચગડોળે ચડતા બરોલા ગામ આખું ભેગું થઇ ગયું હતું. અરવિંદે પોતે લૂંટેરી દુલ્હન અને તેની ઠગ ટોળકીના કાવતરામાં કઈ રીતે છેતરાયા તે સમગ્ર મામલે કાલોલ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી

સમગ્ર મામલો કાલોલ પોલીસ મથકે પહોંચ્યો હતો. કાલોલ પોલીસે ભોગ બનનાર યુવક અરવિંદ વણકરની ફરિયાદના આધારે ઠગ ટોળકીના ત્રણ ઈસમો તેમજ લૂંટેરી દુલ્હન એવી સંગીતાની ધરપકડ કરવામાં આવી. જેના બાદ તેમના પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તપાસ મુજબ, કાલોલ તાલુકાના વાંટા રીંછીયા ગામના અન્ય એક યુવક જશવંત સાથે પણ ઠગ ટોળકીએ લગ્નનું નાટક રચી રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ ટોળકીના ભોગ બનેલા યુવક અરવિંદના સગા થતા એવા વાંટા રીંછીયા ગામના જશવંત મંગળભાઈ પરમારને પણ વચેટિયાઓએ અરવિંદની જેમ લગ્નની લાલચ આપી હતી. જશવંતને પણ છોકરી જોવા માટે ટોળકી લઇ ગઈ હતી અને તેવી મોડેસ ઓપરેન્ડીથી તેના લગ્ન કરાવ્યા હતા. જશવંત ઓછું ભણેલ અને છૂટક મજૂરી કરતો હોઈ લાચાર પિતાએ પોતાની જમીન ગિરવે મૂકી પુત્રનું ઘર વસાવવા જેમતેમ કરી એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી.

કાલોલ તાલુકા ના બરોલા ગામ ના અરવિંદ વણકર અને વાંટા રીંછીયા ગામ ના જશવંત પરમાર બન્ને ને ટોળકી એક તારીખે બે અલગ અલગ યુવતીઓ બતાવી લગ્ન કરવા માટે બોલાવ્યા હતા અને તત્યાં બંને યુવકો ના કોર્ટ મેરેજ ના બહાને નોટરી કરી મેરેજ થઇ ગયા નું કહી ઘરે મોકલી દેવા માં આવ્યા હતા.30 વર્ષ વટાવી ચૂકેલ જશવંત પરમાર પોતાની પત્ની નામે નીલમ ને પોતાના ઘરે લઇ ને આવ્યો હતો.જ્યાં માત્ર 4 કલાક જેટલા સમય માં નીલમ પણ જશવંત ને આવું છું નું બહાનું બતાવી રફુચક્કર થઇ ગઈ હતી.

કાલોલ પોલીસની તપાસમાં એક મોટી ગેંગ કેટલીક યુવતીઓ સાથે સક્રિય હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સમગ્ર કાવતરાની મુખ્ય સૂત્રધાર મુન્ની ઉર્ફે મદીના ઇમામ ચૌહાણ છે. જે પોતે પોતાના પ્રેમી વસંતગીરી ગોસ્વામી સાથે મળી આવા લગ્ન વાંછુક યુવકોની શોધ ચલાવે છે અને કોઈ વચેટિયાને શોધી યુવકોનો સંપર્ક કરતી હોય છે. લગ્ન કરાવ્યા હોય તે ગામમાં રાત્રે ટોળકીના ઈસમો રીક્ષા લઇ પહોચી જતા હોય છે. જ્યાં લગ્નની પ્રથમ રાત્રિએ નવોઢા પતિને ગાઢ નિંદ્રામાં પોઢી જવા દઈ ફરાર થઇ જતી હોય છે. મોડેસ ઓપરેન્ડીથી મુન્ની અને તેના પ્રેમીએ પંચમહાલ ના કાલોલ તાલુકા ના બે યુવકોને ફસાવી રૂપિયા પડાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સાથે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના નાહરપુરા ગામના યુવક સાથે તેમણે છેતરપીંડી કરી હતી.

પોલીસે મુખ્ય સૂત્રધાર મુન્ની ઉર્ફે મદીના ઇમામ ચૌહાણ, લૂંટેરી દુલ્હન એવી સંગીતા મગનભાઈ વસાવા, ગણેશ જયંતિ વસાવા જે સંગીતાનો પ્રેમી છે અને મુન્ની સાથે મળી યુવકોને લાલચ આપતો, ચીમન મહીજી નાયક જે રીક્ષા ડ્રાઈવર તરીકે ટોળકીમાં સામેલ હતો અને યુવતીઓને લગ્નની પ્રથમ રાત્રિએ ભગાડવામાં મદદ કરતો, દત્તૂભાઈ ખોડાભાઈ રાણા તમામ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તો ટોળકીના અન્ય સભ્યો નરસિંહ તથા વિક્રમ, જે વચેટિયાની ભૂમિકા ભજવતા હતા, તેમજ અન્ય જશવંત સાથે લગ્ન કરનાર યુવતી નીલમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે

(4:31 pm IST)