Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

રાજ્યમાં છોકરીઓની સંખ્યામાં ઘટાડો : નીતિ આયોગના રિપોર્ટ બાદ ગાંધીનગરમાં દોડધામ : તમામ જિલ્લા અધિકારીઓને તેડું

તમામ જિલ્લામાં કન્યા જન્મદરનું રીવ્યુ લેવાશે : જિલ્લાવાર કુપોષણ આંકડાકીય માહિતી પર ચર્ચા કરાશે

અમદાવાદ : રાજ્યમાં છોકરાઓની સંખ્યા સામે છોકરીઓની સંખ્યામાં ઘટડો થઈ રહ્યો છે. જેનો નીતિ આયોગ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. નીતિ આયોગના રિપોર્ટ બાદ ગાંધીનગર હેલ્થ વિભાગમાં બેઠકનો દોર શરૂ થયો છે. ત્યારે હવે ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સીટીમાં આરોગ્ય વિભાગની મહત્વની બેઠક મળી છે.

હેલ્થ સેક્રેટરીની અધ્યક્ષતામાં ગિફ્ટસીટીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં તમામ જિલ્લાના વિકાસ અધિકારીઓએ હાજરી આપી હતી. ત્યારે હવે આરોગ્યની સ્થિતિ સુધારવા ચીફ સેક્રેટરી જે.એન સિંગે કમાન પણ સંભાળી છે. આ બેઠકમાં તમામ જિલ્લામાં કન્યા જન્મદરનું રીવ્યુ લેવામાં આવશે. સાથે જ જિલ્લાવાર કુપોષણ આંકડાકીય માહિતી પર ચર્ચા પણ કરાશે.

તાજેતરમાં જ નીતિ આયોગનો હેલ્ધી સ્ટેટ પ્રોગ્રેસિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં ગુજરાતને લઈને ચિંતાજનક રિપોર્ટ છે. આ રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં પ્રતિ હજાર છોકરાઓ સામે 848 છોકરીઓ હોવાનું સામે આવ્યું છે. એટલે કે, 2016થી 2018 સુધીમાં છોકરીઓની સંખ્યામાં 8 નો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં પરંતુ છોકરીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા જ ગુજરાત દેશમાં છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે.

(1:34 pm IST)