Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

એન્જિનિયરિંગના વળતા પાણી? અડધી બેઠકો ખાલી

ગુજરાતમાં કુલ ૬૫૨૧૨માંથી ૩૫૪૬૦ બેઠકો ખાલીઃ રાજયની કુલ ૧૩૭ કોલેજોમાંથી ૧૭માં જ ૧૦૦% બેઠકો ભરાઇઃ ૩ કોલેજોને એક પણ વિદ્યાર્થી ન મળ્યો

અમદાવાદ, તા.૨૭: હવે એન્જિનિયરિંગની ડિમાન્ડ ઘટી રહી છે. નોકરીની પૂરતી તકોના અભાવે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું ટાળી રહ્યા છે. આ વર્ષના આંકડા આ વાતની ચાડી ખાય છે. ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સ માટે પહેલા રાઉન્ડમાં બેઠકોની ફાળવણી બાદ દર બીજી સીટ ખાલી રહી. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિઝ પાસેની કુલ ૬૫,૨૧૨માંથી ૩૫,૪૬૦ બેઠકો ખાલી રહી. એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓમાં કમ્પ્યૂટર પસંદગીમાં ટોચના સ્થાને રહ્યું. ત્યારબાદ ઈન્ફર્મેશન ટેકનોલોજી અને ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી વિદ્યાર્થીઓમાં મનપસંદ રહ્યા. સતત ત્રીજા વર્ષે કમ્પ્યૂટર ટેકનોલોજી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી બન્યું છે. અગાઉ એડમિશન માટે વિદ્યાર્થીઓની પહેલી ચોઈસ રહેતી મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ આ વખતે ચોથા સ્થાની રહી.

રાજયમાં કુલ ૧૩૭ એન્જિનિયરિંગ કોલેજમાંથી માત્ર ૧૭ કોલેજો ૧૦૦% બેઠકો ભરવામાં સફળ રહી. ત્રણ કોલેજો એવી છે જેને એકપણ વિદ્યાર્થી ના મળ્યો. ૩૪ કોલેજો માત્ર ૧૦% બેઠકો ભરી શકી. ૧૯ કોલેજોમાં માત્ર ૧૦%-૨૫% બેઠકો ભરાઈ અને ૩૫ કોલેજો તેમની કુલ બેઠકોની ૨૬%-૫૦% સીટ ભરવામાં સફળ થઈ. ACPCના અધિકારીઓએ કહ્યું, કુલ ૩૩,૨૭૧ વિદ્યાર્થીઓના નામ મેરિટ લિસ્ટમાં હતા. તેમાંથી ૩૧,૪૩૬એ ચોઈસ ફિલિંગ કર્યું. ૨૯,૭૫૩ વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સના પહેલા વર્ષમાં એડમિશન મળ્યું. ૧૬૮૩ વિદ્યાર્થીઓના માકર્સ તેમની પહેલી પસંદગીની કોલેજ સાથે અનુરૂપ ના થતાં એડમિશન ન મળ્યું.

મેરિટ લિસ્ટ ટોપર માણેક નિધિએ ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં એડમિશન લીધું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ એન્જિનિયરિંગ કોલેજોની ૧૩,૪૭૯ બેઠકોમાંથી ૧૧,૨૯૫ સીટ ભરાઈ. આ કોલેજોમાં કુલ ૨,૧૮૪ બેઠકો ખાલી રહી. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની ACPC પાસે રહેલી ૫૧,૭૩૩ સીટોમાંથી ૩૨,૨૭૬ સીટો ખાલી રહી. પહેલા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓનું નામ આવી ગયું છે તેઓ હવે ACPCની વેબસાઈટ પરથી ઈન્ફર્મેશન લેટર અને બેંક ચલણ લઈને ટોકન ફી ભરીને એડમિશન સુનિશ્યિત કરી શકે છે. આ વખતે પહેલીવાર એડમિશન કમિટીએ આર્થિક પછાત વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખી છે. કુલ ૬,૧૬૪ સીટમાંથી ૧,૮૧૮ બેઠકો વિદ્યાર્થીઓને ફાળવાઈ છે, જયારે બાકીની ખાલી રહી.

(1:33 pm IST)