Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડ બાદ જ્ઞાનગંગા સ્‍કૂલ નજીક ફેક્ટરીમાં આગ લાગતા અધિકારીઓ દોડી ગયા

સુરત: સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડ બાદ ફરી એક આગના બનાવે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા હતા. સુરતના ભટાર વિસ્તારમાં જ્ઞાન ગંગા સ્કૂલને અડીને આવેલી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાથી દોડધામનો મહોલ સર્જાયો હતો. આજે વહેલી સવારે ડીઇઓની ટીમના એજ્યૂકેશન ઇન્સ્પેક્ટર સ્થળની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને ઘટના અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ ડીઇઓને સુપરત કરવામાં આવશે.

સુરતના ભટાર વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં આગ લાગવાના પગલે દોડધામનો માહોલ છવાઇ ગયો હતો. બીજી તરફ ફેક્ટરીની દિવાલને અડીને આવેલી જ્ઞાન ગંગા વિદ્યાલયમાં 200થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં હતા. જેથી સ્થાનિક લોકો અને ફાયર કર્મીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પહેલા માળથી સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે સ્કૂલને સીલ મારી દેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનામાં હજી સુધી સ્કૂલ સંચાલક વિરૂદ્ધ કોઇપણ પ્રકારની ફરિયાદ નોંધાઇ નથી.

ત્યારે આજે વહેલી સવારે ડીઇઓની ટીમના એજ્યૂકેશન ઇન્સ્પેક્ટર સ્થળની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સ્કૂલ સંચાલક દ્વારા સ્કૂલની માન્યતાવાળુ પ્રમાણ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, તે પ્રમાણપત્ર વર્ષ 2000ના વર્ષનું હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત જ્યારે ફાયર સેફટીને લગતા કાગળો માગવામાં આવ્યા ત્યારે સ્કૂલ સંચાલક દ્વારા કાગળો સ્કૂલની અંદર હોવાનું રટણ રટવામાં આવ્યું હતું. હાલ અધિકારી દ્વારા અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને રિપોર્ટ ડીઇઓને સુપરત કરવામાં આવશે.

(5:08 pm IST)