Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

અરવલ્લી : બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી પાણી ભરાયા

પાણી ફરી વળતાં શામળાજી-ભિલોડા હાઇવે બંધઃ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી જારી : હાથમતી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે

અમદાવાદ, તા.૨૭:    દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર મહેર વરસાવ્યા બાદ હવે ચોમાસાની વરસાદી સીસ્ટમ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી છે. આજે ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિતના પંથકોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં અરવલ્લીમાં માત્ર બે કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતાં સમગ્ર પંથકમાં સર્વત્ર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારે તોફાની વરસાદના કારણે જિલ્લાની બુઢેલી અને હાથમતી નદીમાં નવા નીરની જોરદાર આવક થઇ હતી. જેને પગલે એક તબક્કે ભિલોડા-શામળાજી હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. હાઇવે પર નદીના પાણી ફરી વળ્યા હતા.  હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને  ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અરવલ્લી પંથકમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લીમાં ગઈકાલે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગઈકાલે જિલ્લામાં ધનસુરા, ભિલોડા, બાયડ, મોડાસા, મેઘરજ, માલપુરમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા હતા. ભિલોડા પંથકમાં મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભિલોડામાં બુઢેલી નદીના પ્રવાહમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. ભિલોડોમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને સમગ્ર પંથકમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને કારણે બુઢેલી નદીના પાણીના પ્રવાહમાં વધારો નોંધાતા આજે બુઢેલી નદીના પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું. નદીનો ધસમસતો પ્રવાહ વધતા શામળાજી - ભિલોડા હાઇવેનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જેને પગલે આ હાઇવે પરનો ટ્રાફિક-વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. અનેક વાહનચાલકો માર્ગમાં જ અટવાઇ પડયા હતા. વરસાદ બંધ થતાં અને નદીના પાણીના પ્રવાહનું જોર ઓછું થાય ત્યારે હાઇવે ફરીથી ખોલવાની તંત્ર દ્વારા સૂચના અપાઇ હતી. બીજી તરફ, ભિલોડાની હાથમતી નદીમાં પણ પાણીની આવક થઈ હતી. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી હાથમતી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદને કારણે આ વિસ્તારોની કેટલીક સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. સ્થાનિક રહીશોમાં પણ ફફડાટ ફેલાયો હતો. હજુ આગામી ૨૪ કલાક દરમ્યાન અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોઇ તંત્રને સાબદુ કરી દેવાયું છે. અપર એયર સાઇક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે. દક્ષિણ ગુજરાત ઉપર આ સ્થિતિ સર્જાયેલી હોવાથી વરસાદની શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદી ઝાપટાનો દોર જારી રહ્યો છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ શહેરના લોકો વરસાદને લઈને ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ સુધી વરસાદની એન્ટ્રી થઈ શકી નથી. ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. જેથી તંત્ર સાવધાન પણ રહેલું છે. રાજ્યના તમામ ભાગોમાં પારો ૪૦થી નીચે પહોંચી ગયો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી રહ્યું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં ૩૬.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વડોદરા, ઈડર, સુરતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થયો છે પરંતુ હાલમાં નોંધપાત્ર વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં થયો છે. જેમાં વડોદરાનો સમાવેશ થાય છે.

(9:41 pm IST)