Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

યુનિવર્સિટીની તમામ પરીક્ષાનો સમય અઢી કલાક થઈ શકે છે

આગામી દિવસોમાં નિર્ણય લેવાય તેવી શકયતા : કુલ ૭૦ માર્કસના પેપર માટે અડધો કલાક ઘટાડી દેવાના કુલપતિના સૂચનને એક્ઝામ રિફોર્મ કમીટીએ સ્વીકાર્યુ

અમદાવાદ,તા. ૨૭ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓનો સમય હવે અઢી કલાકનો કરવાની દિશામાં યુનિવર્સિટી સત્તાવાળાઓએ મહત્વની કવાયત હાથ ધરી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી બધી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને ૩ કલાકનો સમય આપવામાં આવતો હતો, પરંતુ હાલમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં મળેલી બેઠકમાં એક્ઝામ રિફોર્મ કમિટીના સૂચનને ધ્યાનમાં રાખતાં હવે પછીની દરેક પરીક્ષાઓમાં ત્રણ કલાકની જગ્યાએ અઢી કલાક સમય રાખવાનો નિર્ણય ટૂંક સમયમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટીમાં ૭૦ માર્ક્સની પરીક્ષા માટે ત્રણ ક્લાકનો સમયગાળો હતો, જે હવે ઘટાડીને અઢી ક્લાકનો કરવામાં આવશે. યુનિવર્સિટી સત્તાધીશોનું માનવું છે કે ૭૦ માર્ક્સની પરીક્ષા લેવામાં આવે છે ત્યારે તેના માટે અઢી ક્લાકનો સમય યોગ્ય છે. ૭૦ માર્ક્સની પરીક્ષામાં સમયની સાથે સાથે પ્રશ્નપત્રમાં ફેરફાર કરવામાં આવશે. પહેલાં પાંચ પ્રશ્ન પૂછવામાં આવતા હતા, જેના સ્થાને હવેથી ચાર પ્રશ્ન જ પુછાશે. જેમાં ર૦-ર૦ માર્ક્સના ૩ અને ૧૦ માર્ક્સના એક પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓએ આપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને ૭૦ માર્ક્સ લેખિત પરીક્ષાના અને ૩૦ માર્ક્સ ઇન્ટર્નલ પરીક્ષાના આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પેપર લખવા માટેનો સમય ઘટાડવા અનેક વાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં ત્રણ કલાકના બદલે બે કલાકનો સમય આપવામાં આવે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી. બીજીબાજુ, ૭૦ માર્ક્સના પેપરમાં સમય ઓછો પડે તેવી પણ રજૂઆત થઇ હતી.

તાજેતરમાં મળેલી બેઠકમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ત્રણ કલાકની જગ્યાએ અઢી કલાક રાખવાની વાત કરી હતી, જેનો કમિટીના સભ્યોએ સ્વીકાર પણ કર્યો હતો. જેથી હવે યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા આ અંગેનો સત્તાવાર નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

(8:07 pm IST)