Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

૨૯મી જૂનથી ગુજરાતને વધુ એક ટ્રેન : અમદાવાદને લાભ

ગુજરાતના પેસેન્જરો માટે ખુશીની સમાચાર : લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન મહામના એક્સપ્રેસ વીકલી ટ્રેનને લીલીઝંડી આપશે : ટ્રેનના યાત્રીઓને રાહત

અમદાવાદ,તા.૨૭ : ગુજરાતમાં રેલ્વેમાં મુસાફરી કરતાં પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે, તા.૨૯મી જૂનથી ગુજરાતને વધુ એક ટ્રેન મળવા જઇ રહી છે. જેનો સીધો ફાયદો અમદાવાદ અને રાજકોટ સહિતના પંથકના લોકોને મળવાનો છે. ગુજરાતમાં નવી ટ્રેન દોડાવવાની વેસ્ટર્ન રેલવેએ જાહેરાત કરી છે. આગામી તા.૨૯ જૂને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા 'મહામના એક્સપ્રેસ'ને લીલીઝંડી બતાવી તેનું પ્રસ્થાન કરાવાશે. મહામના એક્સપ્રેસ નામની આ વીકલી ટ્રેન ઈન્દોર-અમદાવાદ-વેરાવળના રૂટ પર દોડશે. આ ટ્રેન દર મંગળવારે ઈન્દોરથી ઉપડશે અને બુધવારે વેરાવળ પહોંચશે અને તે ટ્રેન ગુરુવારે વેરાવળથી ઉપડી શુક્રવારે ઈન્દોર પહોંચશે. આ વીકલી ટ્રેન ગોધરા, અમદાવાદ, રાજકોટ સ્ટેશનની સાથે સુરેન્દ્રનગર, વાંકાનેર, દેવાસ, ઉજ્જૈન અને રતલામમાં હોલ્ટ કરશે. આમ, રાજકોટ અને અમદાવાદને પણ સીધો ફાયદો થશે. આ વીકલી ટ્રેન મંગળવારે રાત્રે ૧૦.૨૫ વાગ્યે ટ્રેન ઈન્દોરથી ઉપડશે અને બુધવારે સવારે ૮.૨૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બીજા દિવસે વેરાવળથી સવારે ૮.૪૫ કલાકે ઉપડશે અને સાંજે ૫.૪૦ કલાકે અમદાવાદ પહોંચશે. ઈન્દોર-જૂનાગઢ પૂરી-ઈન્દોર અને ઈન્દોર-હૈદરાબાદ-ઈન્દોર હમસફર એક્સપપ્રેસ બાદ વધુ એક ટ્રેન સેવા ઈન્દોરથી શરૂ થશે. ૧૬ કોચની આ ટ્રેનમાં ૭ સ્લીપર કોચ, બે એસી-૩, એક એસી-૨ અને ૪ જનરલ કોટ અને બે સીટિંગ કમ લગેજ કોચ હશે. રૂટના અમદાવાદ, રાજકોટ, વેરાવળ સહિતના પંથકોના પ્રવાસીઓ-મુસાફરોને આ નવી ટ્રેન શરૂ થવાથી ઘણો ફાયદો થશે. નવી ટ્રેન શરૂ થવાથી લોકોને ઈન્દોર જવા વધુ વિકલ્પ મળશે.

(8:06 pm IST)