Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ગાંધીનગરમાં સે-6માં મેડિકલ સ્ટોર સહીત મકાનના તાળા તોડી તસ્કરોએ રોકડની ચોરી કરી

ગાંધીનગર: શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે ગઈકાલે રાત્રે સે-૬માં ત્રાટકેલા તસ્કરોએ મેડીકલ સ્ટોરનું શટર તોડી તેમાંથી રોકડ અને કોસ્મેટિક તેમજ દવાઓ ચોરી હતી અને બાજુમાં આવેલા એક મકાનમાં તાળાં તોડયા હતા પણ કાંઈ ચોરી ગયા નહોતા. આ સંદર્ભે સે-૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૃ કરી છે. શહેરમાં વધેલી ઘરફોડ ચોરીઓથી પ્રજા તોબા પોકારી ઉઠી છે.   

ગાંધીનગર શહેરમાં આમ તો શિયાળા દરમ્યાન ઘરફોડ ચોરીની ઘટનાઓ વધતી હતી પરંતુ હવે તસ્કરો બારેમાસ ઘરફોડ ચોરી કરવામાં સફળ થઈ રહયા છે.

શહેરમાં ઘરફોડ ચોરી ડામવા માટે તંબુ ચોકી ઉભી કરવાની સાથે સેકટરોમાં પોલીસ ચોકી પણ ઉભી કરવામાં આવી હતી. પોલીસ પેટ્રોલીંગમાં વધારો કરી બારકોડેડ સિસ્ટમનો ઉપયોગ કરી સઘન પેટ્રોલીંગ કરાયાનો દાવો પણ કરવામાં આવ્યો હતો પરંતુ આ તમામ દાવાઓ વચ્ચે શહેરમાં તસ્કરો સફળ થઈ રહયા છે. સે-૪માં ઘરફોડ ચોરીની ઘટના બાદ ગઈકાલે રાત્રે તસ્કરોએ સે-૬માં મેડીકલ સ્ટોરને નિશાન બનાવ્યું હતું.

(6:07 pm IST)