Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

વડોદરા નજીક વરણામા હાઇવે પર ખાંડ ભરેલ ટ્રકને અકસ્માત નડતા ટેમ્પોચાલકનું મોત

વડોદરા:શહેર નજીક હાઈવે પર વરણામા પાસે ગત રાત્રે પંચર ટાયર બદલવા માટે ઉભેલી ખાંડ ભરેલી ટ્રક સાથે પાછળથી પુરઝડપે આવેલો આયશરટેમ્પો ધડાકાભેર ભટકાયો હતો.અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા ટેમ્પોચાલકનું મોત નીપજ્યું હતું.
અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતાં બન્સીભાઈ બિહારીભાઈ કુશ્વાહા ટ્રક ડ્રાઈવીંગ કરે છે. ગઈ કાલે બપોરે તે ટ્રકમાં કંડકટર રામબિહારી સાથે સુરતથી ખાંડ ભરીને અમદાવાદ જવા માટે નીકળ્યો હતો. તેઓ હાઈવે પરથી પસાર થતા હતા તે સમયે ચાલુ વરસાદમાં તેમની ટ્રકમાં પંચર પડયું હતું. 
આશરે દોઢ વાગે તેઓ હાઈવે પર વરણામા બસ સ્ટેન્ડ પાસે ટ્રકને રોડ વચ્ચે આવેલા ડિવાઈડર પાસે ઉભી રાખી તે પંચર ટાયર તપાસતા હતા તે સમયે પાછળથી પુરઝડપે આવેલા એક આયશર ટેમ્પોના ચાલક ૪૪ વર્ષીય જશવંતભાઈ રાયભણભાઈ બારૈયા (કાનીયલગામ,ખેડા)એ તેનો ટેમ્પો ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાવીને અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ટેમ્પોચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની બન્સીભાઈએ વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેમ્પોચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(6:07 pm IST)