Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

નડિયાદના ડભાણ હાઇવે પર કાર હડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળેજ મોત

નડિયાદ: પાસેના ડભાણ હાઈવે ઉપર સર્વિસ રોડ ઉપર ચઢવા જતી વેગેનાર ગાડીએ સામેથી આવતા મોટર સાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક શખ્સનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ મહિલા ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે ખસેડાઈ છે. આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફેટલ અકસ્માતની નોંધ કરી છે.

નડિયાદ નજીકના ડભાણ ગામની સીમમાંથી નેશનલ હાઈવે નં.૮ પસાર થાય છે. આ હાઈવે ઉપર મંગળવારની બપોરે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં વડોદરા તરફથી પુરપાટે આવતી વેગેનાર ગાડી નં.જી.જે.૨૧ સી.એ.૧૦૪૨ ઉપરોક્ત ગામ પાસેની કીસ્મત કાઠીયાવાડી નજીકથી પસાર થઈ રહી હતી. આ કાર હાઈવે છોડી ડભાણ બ્રીજના છેડેથી સર્વિસ રોડ ઉપર આવતી હતી.

ત્યારે સર્વિસ રોડ ઉપર સામેથી આવતા મોટર સાયકલ નં.જી.જે.૭ એ.પી.૧૯૬૯ને ટક્કર મારી હતી. ગાડીની ખાલી સાઈડે અથડાયેલ મોટર સાયકલ ચાલકે એકાએક કાબુ ગુમાવતા બાઈક લઈને તે રોડ ઉપર પટકાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

(6:06 pm IST)