Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ડીસામાં હિટ એન્ડ રન: કારની હડફેટે 3 વિદ્યાર્થીની પૈકી એકનું મોત

ડીસા:તાલુકાના જોરાપુરા નજીક હીટ એન્ડ રનની ઘટનામાં ત્રણ વિદ્યાર્થિનીઓને ઈજાઓ થવા પામી હતી. જેમાં એક વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ગાડી ચાલકની શોધખોળ હાથ ધરી છે.

જોરાપુર સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થિનીઓ શાળા છુટયા બાદ ઘરે જવા નિકળી હતી. ત્યારે નવ ભારત કોલ્ડ સ્ટોરેજ નજીક રોડ ક્રોસ કરવા જતા સામેથી આવી રહેલી  ગાડીના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવીંગ કરી આ ત્રણે વિદ્યાર્થિનીઓને અડફેટે લઈ અકસ્માત સર્જયો હતો. જયારે અકસ્માત સર્જી ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. જયારે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

જો કે આ અકસ્માતમાં અંજલીબેન ગિરધારજી ઠાકોર( ઉ.વ.૧પ) શીતલબેન શ્રવણજી ઠાકોર( ઉ.વ.૧પ) હેતલબેન સાલજીજી ઠાકોર( ઉ.વ.૧પ) ત્રણે રહે. જોરાપુરાને ઈજાઓ થવા પામી હતી. જેથી આ ત્રણેય વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે ડીસાની સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.ત્યાંથી ગંભીર હાલતમાં  બે વિદ્યાર્થિનીઓને વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
 જયારે અંજલીબેન ઠાકોરને ગંભીર ઈજા થતા  વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન તેણીનુ મોત નિપજયુ હતુ.

(6:06 pm IST)