Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ખંભાતમાંથી ગેરકાયદે હથિયારો સાથે રીઢો આરોપી ઝડપાયો

આણંદ: જિલ્લામાં વિતેલા દિવસોમાં ગેરકાયદે હથિયારો પકડવાનો સીલસીલો ચાલુ રહ્યો છે.આણંદ શહેર બાદ આજે ખંભાતમાંથી રીઢા આરોપી પાસેથી ૩ પીસ્ટલ કારતૂસ ઝડપાયા હતા. લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ તેની ધરપકડ કરીનેં રીમાન્ડ માગ્યા છે. 
મળતી વિગતો મુજબ આણંદ લોકલ ક્રાઈમ પોલીસને મળેલ ચોક્કસ બાતમી આધારે ખંભાત શહેરની કાજીવાડ કોર્ટ પાછળ રહેતા ઘરફોડ ચોરીનો આરોપી ઈરફાન હનીફભાઈ મન્સુરી નાની મોટી ચોરીઓ અને ઢોરની ચોરીઓ કરે છે. તેમજ ગેરકાયદે રીવોલ્વર,પીસ્તોલ જેવા હથિયારો લાવી વેચાણ કરે છે. માહિતીના આધારે પોલીસે આજે ખંભાતની ખોડિયાર ચોકડી પાસે વોચ રાખી હતી. દરમ્યાન કાજીવાડ કોર્ટ પાસેથી આવતો ઈરફાન મન્સુરીને ઝડપી પાડી અંગ જડતી લેતા તેના કમરના ભાગે સંતાડી રાખેલ દેશી બનાવટની મેગઝીન સાથે પીસ્ટલ મળી આવી હતી. જેમાં મેગજીંનની અંદર ૫ કારતૂસ ભરેલા હતા. 
પોલીસે આકરી પૂછપરછ કરતા પોતે બે પીસ્તોલ તથા ૨૫ નંગ જીવતા કારતૂસ પોતાના ઘરે રાખેલા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે કુલ ૩ દેશી બનાવટની પીસ્તોલ તથા ૩૦ જીવતા કારતૂસ, કિંમત રૂા. ૫૧ હજારની મત્તાના હથિયારો કબજે લઈ આરોપીને કોર્ટ હવાલે લેવાયો હતો.આ હથિયારો ક્યાંય ઉપયોગમાં લેવાયા છે કે કેમ તેમજ બીજા કેટલાને હથિયારો આપ્યા છે તે દિશામાં તપાસ અર્થે પોલીસે વધુ ત્રણ દિવસના રીમાન્ડ માંગ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સોમવારે આણંદ શહેરની જૂની શાકમાર્કેટમાંથી મહંમદ બીલાલ ઈમામુદ્દીન મલેક પાસેથી દેશી બનાવટની પીસ્ટલ મળી આવી હતી. આમ, જિલ્લામાં ગેરકાયદે હથિયારો સપ્લાયના નેટવર્કમાં એક પછી એક હથિયારના સોદાગરોની પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

(6:04 pm IST)