Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

સુરત ક્રિપ્ટો કરન્સી કૌભાંડ ૧ અબજ સુધી પહોંચ્યાની ચર્ચાઓઃ અડધો ડઝન પોલીસ અધિકારી પર લટકતી તલવાર

કેશવકુમારના ખાનગી રીપોર્ટ બાદ શિવાનંદ ઝાએ પીઆઈ લવકુમાર ડાભીને ક્રાઈમ રેકોર્ડમાં મુકી દીધા : ત્રણેય આરોપીના ૪ દિ' રિમાન્ડ શરૃઃ નોટબંધી બાદ મોટા માથાઓનું 'કાળુ નાણુ' સગેવગે કરવાના 'ખેલ'

રાજકોટ, તા. ૨૭ :. દેશભરમાં નોટબંધી થયાના પગલે ગુજરાતની આર્થિક રાજધાની જેવા સુરતમાં કેટલાક મોટા માથાઓ દ્વારા 'બ્લેક મની'ની રકમ બીટ કોઈન્સમાં રોકાણ થવા સાથે 'ક્રિપ્ટો કરન્સી' જેવી કરન્સીમાં થયેલ રોકાણ અને કૌભાંડકારો દ્વારા બનાવટી કંપનીઓ ખોલી કરોડો કટકટાવ્યાના પગલે સુરત ક્રાઈમ બ્રાંચે રોહિત, અલ્તાફ અને ઉમેશની ધરપકડ કર્યા બાદ તેમને અદાલતમાં રજૂ કરી ૪ દિ'ના રીમાન્ડ મેળવ્યા છે.

રાજ્યના ટોચના પોલીસ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ફરીયાદ હાલતૂર્ત ભલે મૂળ સૌરાષ્ટ્રનાં અને હાલ સુરતમાં સરથાણામાં વસતા બિલ્ડર ચેતનભાઈ ગાંગાણી દ્વારા જ થયેલ હોય, પરંતુ ભોગ બનનારા મોટા માથાઓનો આંક ખૂબ જ હોવાનું અને છેતરપીંડીનો આંક એક અબજ સુધી હોવાની પણ વ્યાપક ચર્ચા સુરતથી લઈ ગુજરાતભરમાં ચાલી રહી છે.

દરમ્યાન આ મામલામાં તત્કાલીન કામરેજ (સુરત)ના પીઆઈ લવકુમાર ડાભી કે જેઓ સામે સરથાણા પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે તેનાથી એસીબી વડા કેશવકુમાર ચોંકી ઉઠયા હતા અને એસીબીમાં આવો કોઈ સ્ટાફ કે અધિકારી ન રહે તથા ભવિષ્યમાં એસીબીમાં મુકાનારની 'કુંડળી' ચકાસવા નિર્ધાર કર્યાનું સૂત્રો જણાવે છે.

એસીબી વડાએ આરોપી પીઆઈ લવકુમાર ડાભી કે જેઓ ભરૂચ એસીબીમાં ફરજ બજાવે છે. તેમને રાતોરાત ત્યાંથી ખસેડી અમદાવાદ એસીબી હેડ કવાર્ટર તેડાવ્યા બાદ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સમક્ષ આરોપી પીઆઈને તાત્કાલીક એસીબીમાંથી અન્યત્ર બદલવા વિનંતી કરતા જ શિવાનંદ ઝાએ આરોપી પીઆઈ લવકુમાર ડાભીને ગુજરાત ક્રાઈમ રેકોર્ડ બ્યુરોમાં 'કારકૂની' જેવી કામગીરી કરવા માટે બદલી નાખવામા આવ્યા છે. આમ બીટ કોઈન્સ માફક ક્રિપ્ટો કરન્સી કે જેના કોઈ સોદા ન પડતા છેતરાયાનો અનુભવ થયો છે તેવા કેટલાક વધુ પોલીસ અધિકારીઓની ભૂમિકા હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યા વગર નહિં રહે. રાજ્યમાં પોલીસ તંત્રમાં બીજા અડધો ડઝન પોલીસ અધિકારી કોણ ? તે બાબતે ગરમા ગરમ ચર્ચા ચાલે છે. આમ બીટ કોઈન્સ બાદ ક્રિપ્ટો કરન્સી પણ પોલીસ તંત્ર માટે અપશુકનિયાળ સાબિત થઈ રહ્યુ છે.(૨-૧૮)

(3:51 pm IST)