Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

અફવાવીરો આકરા પગલા માટે તૈયાર રહેઃ અશોકકુમાર યાદવ

પાકિસ્તાનનો વિડીયો, દારૂડીયાના અંગત સ્વાર્થથી અમદાવાદમાં મહિલાનું મોત, દિવ્યાંગ પર હુમલા બાદ હવે બાળક ચોર ટોળકીના રાજયભરમાં ગતકડા ફેલાવનાર સામે પોલીસ મેદાને : સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ ન કરવા તથા શેર ન કરવા સલાહઃ રાજયભરની પોલીસની તપાસમાં બાળક ચોર ટોળકી અંગે તણખલા જેટલા પુરાવા પણ પુરાવા મળ્યા નથીઃ બાળકોની કાળજી લેવાઇ તેમાં કંઇ ખોટુ નથીઃ કાયદો હાથમાં ન લેવો, શંકા જણાય તો નજીકના પોલીસ મથક અથવા ૧૦૦ નંબર પર પોલીસ કંટ્રોલને ફોન કરવોઃ અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર સાથે અકિલાની વિશેષ વાતચીત

રાજકોટ, તા., ૨૭: ગુજરાતમાં ભારે વાવાઝોડા અને વરસાદની આગાહી સામે ઇઝરાયલ ગયેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયનું તંત્ર તમામ આફત સામે સજજ હોવાનું જણાવી હસતા-હસતા ગુજરાત છોડી ગયા. પરંતુ તેમને એ જાણ ન હતી કે ગુજરાતના પોલીસ તંત્રને વરસાદી વાવાઝોડાની માફક અફવાઓની આંધી સામે પણ જે રાજયભરમાં ઉઠી છે. તેની સામે લડવાનું છે. આ આંધી એટલે સોશ્યલ મીડીયામાં ગુજરાતભરમાં બાળકચોર ટોળકીની ઉડેલી અફવા. નવાઇની વાત એ છે કે સોશ્યલ મીડીયામાં જે વિડીયો વાયરલ થયો છે તે ખરેખર પાકિસ્તાનના કરાંચી તરફનો છે. પરંતુ સોશ્યલ મીડીયામાં હંમેશા મોખરે રહેવા માંગતા કેટલાક શખ્સોએ હંમેશની ટેવ મુજબ મોખરે રહેવા માટે આગની જેમ આ વીડીયો ફેલાવી દીધો છે.

સોશ્યલ મીડીયાના આ અપપ્રચારને કારણે દ્વારકા, ઓખા, જામખંભાળીયા, મોરબીથી લઇ અમદાવાદ, સુરત અને થરાદ સુધી અફવાની આંધી તો એટલી ઉઠી કે અમદાવાદમાં તો કેટલાક દારૂડીયાઓએ આનો લાભ ઉઠાવી રાજસ્થાનથી ભીક્ષા માંગવા આવેલી યુવતીને બાળકચોર ઠેરાવી અને લોકોને ઉશ્કેરી શાંતિ નામની એક મહિલાનું મોત નિપજે ત્યાં સુધી ઢોર માર માર્યો.  અમદાવાદ પોલીસ હવે આવા મામલે આકરા પાણીએ થઇ ગઇ છે.

ઉકત બાબતે અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ તથા એડીશ્નલ પોલીસ કમિશ્નર અશોક યાદવ દ્વારા પોલીસની ભાષામાં કહીએ તો એડવાઇઝરી બહાર પાડી છે.

અકિલા સાથેની વિશેષ વાતચીતમાં એડીશ્નલ પોલીસ કમિશ્નર અશોકકુમાર યાદવે જણાવ્યું કે અમદાવાદના તમામ પોલીસ તંત્ર તથા અન્ય એજન્સીઓ મારફત આવી કહેવાતી બાળકચોર ટોકળીઓ અંગે સઘન તપાસ ચલાવવામાં આવી. પરંતુ કોઇ જગ્યાએ તણખલા જેટલા પણ પુરાવા મળ્યા નથી. તેઓના કથન મુજબ સોશ્યલ મીડીયાના અફવાવીરોના આ કારસ્તાન છે.

અકિલા સાથેની વિશેષ વાતચીતમાં અશોકકુમાર યાદવે જણાવેલ કે આ મામલે માત્ર અમદાવાદ જ નહી રાજયભરનું આખુ પોલીસ તંત્ર આ મામલે એલર્ટ છે. તેઓએ જણાવેલ કે લોકોએ શંકા જેવું લાગે ત્યારે કાયદો હાથમાં લેવાને બદલે નજીકના પોલીસ મથક અથવા પોલીસ કંટ્રોલ રૂમ પર (૧૦૦ નંબર) માં ફોન કરવો. ખોટી અફવા માનવી નહી. શંકા જેવું જણાય તો બાળકચોર ટોળકી સમજી મારઝુડ કરવી નહી. બાળકો રમતા હોય ત્યારે ઘરથી દુર ન જાય તેની કાળજી કે તકેદારી લેવી તે યોગ્ય જ છે. શકમંદ તત્વો આસપાસ લાગતા હોય તો પોલીસને જાણ કરવી. બાળકોને લઇને વાલીઓ શાકમાર્કેટ કે બીજા ભીડવાળા સ્થળે જાય ત્યારે બાળકોનું ધ્યાન રાખવું તેને છુટા ન મુકવા.  અશોકકુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં અંતે અુેવું પણ જણાવેલ કે સોશ્યલ મીડીયામાં આવા પ્રકારના વિડીયો વાયરલ કરવા કે શેર કરવા તે ગંભીર પ્રકારનો ગુન્હો બને છે. તેવી ચેતવણી આપવા સાથે તેઓએ આવી કોઇ બાબતે વિશ્વાસ ન કરવો તેવું જણાવા સાથે એવી ચીમકી પણ આપી છે કે આમ છતાં અફવા ફેલાવનાર નહિ અટકે તો આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુન્હા દાખલ થશે અને જેલમાં જવાનો વારો આવશે.

(3:25 pm IST)