Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

આરટીઓ કચેરી : ડ્રાઇવીંગ ટ્રેકના ૭૦ ટકા સેન્સરો બંધ

અમદાવાદ આરટીઓ ફરી એકવાર વિવાદમાં: ટ્રેક અંગેનો જૂની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં રિન્યુ નથી કરાયો : ચૂકનો ભોગ વાહનના ચાલક બની રહ્યા છે

અમદાવાદ, તા.૨૬: અમદાવાદ આરટીઓ કચેરી વધુ એક વિવાદમાં સપડાઇ છે. પાકા લાઇસન્સ માટે વાહનચાલકોને જે સુભાષબ્રીજ સ્થિત આરટીઓ કચેરીમાં જે ટ્રેક પર ટેસ્ટ આપવાનો હોય છે તે ડ્રાઇવીંગ ટ્રેકના અંદાજે ૭૦ ટકા સેન્સર બંધ હાલતમાં છે જેના કારણે હાલ આરટીઓ સત્તાવાળાઓ દ્વારા ટેસ્ટ ટ્રેકની કામગીરી સીસીટીવી કેમેરાના આધારે મેન્યુઅલ પધ્ધિતિથી ચાલી રહી છે. જો કે, આરટીઓ સત્તાવાળાઓની આ ગંભીર ચૂકને લઇ જેન્યુઇન વાહનચાલકો અથવા તો નાગરિકો ટેસ્ટમાં પાસ-ફેલની ભૂલોનો પણ શિકાર બની રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આ સંજોગોમાં આરટીઓ સત્તાવાળાઓએ તાત્કાલિક ધોરણે ડ્રાઇવીંગ ટ્રેકના સેન્સર કાર્યરત કરી વાહનચાલકોની હાલાકી નિવારવા અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ માંગણી કરી છે. નોંધનીય છે કે, અમદાવાદ આરટીઓમાં એક સમયે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો એ ઘણું અઘરો બન્યો હતો. લોકો પહેલા પરફેકટ ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરતા હતા અને ત્યારબાદ જ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવાની હિંમત કરતા હતા હવે આ ટેસ્ટ ઘણો જ આસાન બની ગયો છે કારણ કે ડ્રાઇવિંગ ટ્રેકના મોટાભાગનાં સેન્સર બંધ હાલતમાં છે તેથી હવે ટેસ્ટ ટ્રેકની કામગીરી સીસીટીવી કેમેરા આધારિત માત્ર મેન્યુઅલ પદ્ધતિથી થતી હોઇને ડ્રાઇવિંગ ટેસ્ટ આસાન બન્યો છે.  એક સમયે આરટીઓ કચેરીમાં બનાવાયેલો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અત્યંત અત્યાધુનિક ટ્રેક ગણાતો હતો ટેસ્ટ ટ્રેક પર નિયમ પ્રમાણેનું જ ડ્રાઇવિંગ વાહન ચાલક કરે તેના નીરીક્ષણ માટે ૧૭૦થી વધુ સેન્સર ટ્રેક પર લગાવાયાં છે વાહનચાલક સામાન્ય નિયમનો ભંગ કરે કે તરત જ સેન્સર એક્ટિવ થાય અને સ્ક્રીન પર તમામ એરર આવી જાય ટ્રેક પર કેટલીવાર કઇ જગ્યાએ કેટલી એરર આવી તેનો ટેક્નિકલ ડેટા સેન્સર દ્વારા સીધો સ્ક્રીન પર આવી જતો હતો. જેના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ એક્યુરસીવાળો અને વાહનચાલક માટે કપરો ગણાતો હતો. પરંતુ અત્યારે અમદાવાદ આરટીઓ ટેસ્ટ ટ્રેકનાં ૭૦ ટકા સેન્સર બંધ હાલતમાં હોઇ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાના કડક નિયમનો અમલ થતો નથી. હાલમાં આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી સીસીટીવી કેમેરાથી જોવામાં આવે છે. સામાન્ય રીતે ડ્રાઇવિંગ ટ્રસ્ટ ટ્રેકના મેન્ટેનન્સ માટે વાર્ષિક કોન્ટ્રાક અપાતો હોય છે. રાજ્યની તમામ આરટીઓનાં ટ્રેકનો કોન્ટ્રાકટ એક જ કંપનીને ગાંધીનગરથી આપવામાં આવે છે. આ કંપનીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટ પૂરા થઇ ગયા છે અને ત્યાર પછી નવા કોન્ટ્રાક્ટ નહીં અપાતા મેન્ટેનન્સ સંપૂર્ણપણે બંધ હોવાથી ધીરે ધીરે હવે સેન્સરો પણ કામ કરતા બંધ થયાં છે. આ અંગે એઆરટીઓ એસ.એ.મોજણીદારે જણાવ્યું હતું કે ૧લી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સિલ્વર ટચ કંપનીને મેન્ટેનન્સનો કોન્ટ્રેક્ટ અપાયો હતો તે પૂરો થયો છે. જે રિન્યૂ થયો નથી પરંતુ અમદાવાદ આરટીઓ દ્વારા અન્ય એક કંપની પાસે સર્વે કરાવાયો છે.

ટૂંક સમયમાં આરટીઓ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે. દરમ્યાન અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, આરટીઓ સત્તાવાળાઓ વાહનચાલક નાગરિકોને ડ્રાઇવીંગ ટેસ્ટના વીડિયો કે ફુટેજ પણ બતાવતા નથી, ખરેખર તે તેઓને બતાવવા જોઇએ કે જેથી તેઓને ખ્યાલ આવે કે તેઓ ખરી રીતે પાસ થયા છે કે ફેઇલ. સત્તાધીશો માત્ર વાહનચાલકને પાસ અને ફેઇલનું રિઝલ્ટ જણાવી દે છે પરંતુ તેમાં જેન્યુઇન અને સાચા વાહનચાલકો દંડાઇ જાય છે. કંપનીનો કોન્ટ્રાકટ રિન્યુ નથી થયો તે ચૂક સત્તાવાળાઓની છે. આરટીઓ સત્તાવાળાઓ તાત્કાલિક ધોરણે ટ્રેકના તમામ સેન્સરો ચાલુ થાય તે માટે કાર્યવાહી કરી વાહનચાલકોની હાલાકીનું નિવારણ લાવવું જોઇએ.

(9:49 pm IST)