Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

વડોદરામાં ફાયર બ્રિગેડની હાલત દયનિય: મુખ્ય કચેરી તોડી પાડતા કર્મચારીઓને છેલ્લાં 8 વર્ષથી શેડમાં બેસવા મજબૂર

શહેરમાં 16 ફાયર સ્ટેશનની જગ્યાએ માત્ર 6 ફાયર સ્ટેશન કાર્યરત:ફાયર વિભાગમાં 900 સ્ટાફની સામે માત્ર 269 સ્ટાફ જ ફરજ બજાવી રહ્યા છે: ફાયર બ્રિગેડમાં 70 ટકા સ્ટાફની ઘટ

વડોદરામાં ફાયર બ્રિગેડની હાલત દયનિય છે. વડોદરા શહેરની ફરતે મોટા ઔદ્યોગિક એકમો અને ઈન્ડસ્ટ્રીઓ આવેલી છે જેની સામે ફાયર બ્રિગેડ પાસે પુરતો સ્ટાફ નથી. વડોદરા ફાયર બ્રિગેડમાં અત્યારે 70 ટકા સ્ટાફની ઘટ છે

  વડોદરા શહેરમાં દિવસે દિવસે વસ્તી વધી રહી છે. સાથે જ શહેરમાં ગામડાઓનો સમાવેશ થતાં વ્યાપ પણ વધ્યો છે. ત્યારે વડોદરા શહેરની ફરતે મોટા ઔદ્યોગિક એકમો અને ઈન્ડસ્ટ્રીઓ આવેલી છે જેની સામે ફાયર બ્રિગેડ પાસે પુરતો સ્ટાફ નથી. વડોદરામાં ફાયર બ્રિગેડની હાલત દયનીય છે. દાંડીયા બજારની મુખ્ય કચેરી તોડી પાડવામાં આવતા કર્મચારીઓને છેલ્લાં 8 વર્ષથી શેડમાં બેસવા મજબૂર બન્યા છે.

 શહેરમાં હાલમાં 16 ફાયર સ્ટેશન હોવા જોઈએ તેના બદલે માત્ર 6 ફાયર સ્ટેશન કાર્યરત છે. ફાયર વિભાગમાં 900 સ્ટાફની સામે માત્ર 269 સ્ટાફ જ ફરજ બજાવી રહ્યા છે એટલે કે 30 ટકા સ્ટાફથી ફાયર બ્રિગેડ કામ કરી રહ્યું છે. ફાયર બ્રિગેડમાં 70 ટકા સ્ટાફની ઘટ છે, છતાં પાલિકા તંત્ર ફાયર બ્રિગેડ સક્ષમ હોવાના બણગા ફૂંકે છે.

  વડોદરા કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડના જવાનોને શહેર ઉપરાંત જિલ્લામાં પણ આગ બુઝાવવાની કામગીરી કરવી પડે છે, જેને લઈ કામનું ભારણ ખૂબ વધુ છે. તેમ છતાં કરોડો રૂપિયાનો આડેધડ ખર્ચ કરતા સ્માર્ટ શાસકો અધિકારીઓ ફાયર બ્રિગેડને સક્ષમ બનાવવા તૈયાર નથી.

(8:51 pm IST)