Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

ગુજરાતના ૮૦૦થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત

આઈસીએઆઈનો પદવીદાન સમારંભ યોજાયો ઃ દેશના ૧૨ કેન્દ્રો પર ૧૫૦૦૦થી વધુ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત કરવામાં આવી

અમદાવાદ, તા.૨૭ ઃ; ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય કન્વેનશન સેન્ટર ખાતે તાજેતરમાં પાસ થયેલા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ માટે પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. શનિવારે દેશના ૧૨ કેન્દ્રો ઉપર સીએ પદવીદાન સમારંભ યોજાયા છે જેમાં ૧૫,૦૦૦થી વધુ નવાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ ૮૦૦ જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત કરવામાં આવી છે.

આઈસીએઆઈનાં પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સીએ બનનારાઓની સંખ્યા ૩ થી ૫ ટકા જેટલી હતી. જ્યારે હવે ડિઝિટલાઈઝેશનના જમાનામાં રિસોર્સિસ વધવાના કારણે પરિણામની ટકાવારી વધી છે. આઈસીએઆઈનાં પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ ત્રણ લેશન ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે જીવનમાં તમે આંતરિક ઊર્જાસભર અને આંતરિક રીતે પ્રેરાઈને તમારા ક્લાયન્ટને યોગ્ય સલાહ આપો, ટાઈમ મેનેજમેન્ટ કરો અને હંમેશા હાર્ડવર્ક કરો.

આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચ દ્વારા આયોજીત પદવીદાન સમારંભમાં અતિથી વિશેષ તરીકે હાજર રહેલા ઝેનિથ હેલ્થકેર.ના ફાઉન્ડર સીએ મહેન્દ્ર રાયચાએ જણાવ્યું હતું કે, બધાંજ પ્રોફેશનમાં સૌથી મહત્વનું પ્રોફેશન સીએ પ્રોફેશન છે, જેની સૌથી અધરી પરીક્ષામાં આપ ઉતીર્ણ થયા છો અને ભગવાનના આશીર્વાદ આપને પ્રાપ્ત થયા છે તેને સાર્થક કરવા આજે એક નિયમ લો કે તમે તમારા ક્લાયન્ટને ક્યારેય ખોટું માર્ગદર્શન કે સલાહ નહીં આપો.

સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૃષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે આપણે આપણા રાષ્ટ્રને આર્થિક રીતે સધ્ધર બનાવવા અને દેશના અર્થતંત્રને વિકાસશીલ બનાવવા ક્યારેય કોઈ શોર્ટકટનો ઉપયોગ નહીં કરવાનો, વૈશ્વિક પરિસ્થિતિનો સામનો કરવા અને દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપવા આપણે હંમેશા તત્પર રહેવાનું છે. સેન્ટર કાઉન્સિલ મેમ્બર સીએ વિશાલ દોષી સીએની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા નવા નવયુવાન સીએને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સીએની પરીક્ષા પાસ થઈ જવાથી બધું પુરૃ નથી થઈ જતું, અહીં રોજ નવી ચેલેન્જ આવશે, અને તેનો સામનો કરવા અને તેનું સોલ્યુશન લાવવા તમારે તમારી જાતને હંમેશા અપગ્રેડ રાખવી પડશે. આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ (ડૉ) અંજલિ ચોક્સીએ જણાવ્યું હતું કે પ્રોફેશનલ કોર્સમાં સૌથી અધરી પરીક્ષા સીએ પ્રોફેશનલની હોય છે, જેમાં ઉતીર્ણ થયેલા તમામ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે સમાજપયોગી કાર્ય કરવા હંમેશા તત્પર રહેવાનું છે.

(7:39 pm IST)