Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

વલસાડ જિલ્લામાં વિવિધ ગામોમાં ખેતતલાવડીઓ બનાવવાના નામે મોટા પાયે ગેરરીતિઃ એસીબી દ્વારા ૪ ગામમાં ફરિયાદઃ બેની ધરપકડ

વલસાડઃ વલસાડ જિલ્લામાં ખેતતલાવડીના નામે ભારે ગેરરીતિ થયાનું ખુલતા એસીબી ટીમે ૪ જગ્‍યાએ ફરિયાદ કરીને બે શખ્‍સોની ધરપકડ કરી છે.

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભીમાસર ગામમા જળસંચય યોજના અંતર્ગત ખેતતલાવડી બનાવવામાં ભ્રષ્ટ્રાચાર થયેલાનું એસીબીની તપાસમાં બહાર આવતાં જ માર્ચ-૨૦૧૮માં ગુનો દાખલ કરીને વિવિધ ટીમો દ્વારા જમીન વિકાસ નિગમ લી. ગાંધીનગર ખાતેની વડી કચેરીમાં સર્ચ કરતાં ૫૬.૫૦ લાખ રોકડા મળી આવ્યા હતા. જે બાબતે ગાંધીનગર એસીબીમાં પાંચ ફોજદારી ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. 

એસીબીની તપાસ દરમ્યાન વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં સને ૨૦૧૭-૧૮ના વર્ષમાં બનાવવામાં આવેલ ખેતતલાવડીમાં મોટાપાયે ગેરરીતી અને ભ્રષ્ટ્રાચાર થયો છે. જેથી સુરત એસીબી એકમની વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવતાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના કુલ પાંચ ગામોમાં ૩૫ સર્વે નંબરોની તપાસ હાથ ઘરતાં ખેતતલાવડીઓ નહીં બનાવેલ હોવા છતાં પણ બનાવેલાનું, સર્વે નંબર અસ્તિત્વમાં ન હોય તેમાં ખેતતલાવડી બનાવેલ હોવાનું, મરણ ગયેલ હોય એવા ખેડૂતોના નામે ખેતતલાવડી બનાવેલ હોવાનુ ખુલવા પામ્યું હતુ. આ ઉપરાંત ગામમાં જે નામનો ખેડૂત/સર્વે નંબર ન હોય તેવા ખોટા નામો/સર્વે નંબર દર્શાવીને ખેતતલાવડીઓ બનાવેલ હોવાના ખોટા પુરાવા ઊભા કર્યા હતા. જે અંગે ચાર અલગ-અલગ ફરિયાદો દાખલ કરીને સુરેશભાઈ રમણભાઈ કિશોરી (ફિલ્ડ સુપરવાઈઝર)તથા યુસુફ અબ્દુલરહેમાન ભીખા (ક્ષેત્ર મદદનીશ)ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ઘરી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ખેતતલાવડીમાં થયેલા ભ્રષ્ટ્રાચાર બાબતે એસીબીએ અલગ-અલગ ટીમો બનાવીને તપાસ ચાલુ કરી છે. ખેતતલાવડી અથવા તો ગુજરાત જમીન વિકાસ નિગમની કોઈપણ યોજનામાં થયેલા ભ્રષ્ટ્રાચાર બાબતે કોઈપણ ખેડૂત એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર ફોન કરીને માહિતી આપી શકે છે જે માટે તેમનુ નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવ્યું છે.

(6:32 pm IST)