Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ગુજરાતમાંથી માનવ અધિકાર ઉલ્લંઘનની ૨૬,૫૦૦ અરજી

માનવ અધિકાર પંચના ચેરમેને માહિતી આપી : માનવ અધિકારોના હનને રોકવા આયોગ સતત કાર્યરત છે તેમજ તમામને ન્યાય મળે તેને પ્રાથમિકતા અપાઈ છે

અમદાવાદ,તા.૨૭ : માનવ અધિકારોના રક્ષણ અને જતનમાં ગુજરાત સરકારે કરેલ કામગીરી સંતોષકારક છે. રાજ્ય સરકારે તમામ નાગરિકોને માનવ અધિકારો પ્રાપ્ત થાય અને અધિકારોનું હનન ન થાય તે માટે અનેકવિધ પગલાં ભર્યા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચનાથી અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ ૧૭,૫૦,૦૦૦ માનવ અધિકાર ભંગ અરજીઓ આવી છે. જેમાં સંદર્ભે પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના ચેરપર્સન એચએલ દત્તુએ જણાવ્યું હતું. આયોગના ચેરપર્સન દત્તુએ કહ્યું કે, માનવ અધિકારનું હનન થાય તહીં તે માટે આયોગ સતત કાર્યરત છે. સમાજના તમામને ન્યાય મળે તે આયોગની પ્રાથમિકતા છે. શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પોતાના મૂળભૂત અધિકારો પ્રત્યે સભાન બને તે મુદ્દે ભાર મુકતાં દત્તુએ કહ્યું કે, કેમ્પને ખુલ્લો મુકાયાના બીજા દિવસે આયોગની ચાર બેન્ચ દ્વારા ૧૩૬ કેસોની સુનાવણી કરવામાં આવી હતી. આ કેસ પૈકી ૬૩ કેસમાં સંતોષકારક કામગીરી થઈ હોવાથી કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે ૪૦ કેસમાં વિસ્તૃત અહેવાલ માંગવામાં આવ્યા છે. માનવ અધિકારને લગતા કેસોના નિકાલ માટે તા. ૨૬ અને ૨૭ એપ્રિલના રોજ યોજાયેલ બે દિવસીય કેમ્પ અને ઓપન હીયરીંગ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યસચિવ ડૉ. જે એન સિંઘ, ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ એમએસ ડાગુર, રાજ્ય પોલીસ વડા શીવાનંદ ઝા, વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ, સંબંધિત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા માનવ અધિકારના કેસોના હકારાત્મક નિકાલ માટે ઉપસ્થિત રહીને સતત ચર્ચા વિચારણા કરાઈ હતી. જેના પરિણામ સ્વરૂપે આ ૬૩ કસો બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૫ કેસમાં અનુસુચિત જાતિ-અનુસૂચિત જનજાતિ એક્ટનાં નિયમો અનુસાર રાહત મંજુર કરવામાં આવી છે. નાણાકીય રાહત રૂપે ૩.૨૫ લાખની ભલામણ કરવામાં આવી હતી અને ૪ લાખના પેમેન્ટ પુરાવા મળ્યા હતા. કેમ્પ દરમિયાન ૧૧ વર્ષની દુષ્કર્મ પીડિતાના પુનર્વસન, પેન્શનના લાખ શરૂ કરવા જેવા કેસની સુનવણી કરવામાં આવી હતી. સંબંધિત જિલ્લા કલેકટરઓને તેમના જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને જાણ કરી સુનાવણી અંગેની માહિતી પહોંચાડવાની સૂચના આયોગ દ્વારા આપવામાં આવી હતી, તેમ દત્તુએ ઉમેર્યું હતું. ચેરપર્સન દત્તુએ જણાવ્યું હતું કે, બીજા દિવસે બેન્ચ દ્વારા ૧૯ કેસોની સુનાવણી કરવામાં આવી હતી. આ કેસોમાં સાબરકાંઠા જિલ્લામાં એક અનુસુચિત જનજાતિના વ્યક્તિની હત્યા, સિવિલમાં મૃત્યુ અને જુનાગઢ જિલ્લામાં સ્કુલે જતા બાળકો માટે પૂલના નિર્માણ જેવા કેસોનો સમાવેશ થાય છે. આયોગ દ્વારા ત્રણ કેસમાં ૮ લાખની નાણાકીય રાહત ચુકવવાની ભલામણ કરવામાં આવી છે જ્યારે અન્ય કેસમાં ચુકવણી અંગેના પુરાવાઓ પ્રાપ્ત થયા છે તથા તેની ચુકવણીના આખરી તબક્કામાં છે.

(9:10 pm IST)