Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કાલે વર્લ્ડ વેટરનરી ડેની ઉજવણી કરવા તૈયારીઓ

ટાઉનહોલ ગાંધીનગરમાં કાર્યક્રમ

અમદાવાદ,તા.૨૭ : વિશ્વમાં એપ્રિલ માસના છેલ્લા શનિવારના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ વેટરનરી એસોસીએશન દ્વારા વર્લ્ડ વેટરનરી ડે ઉજવવામાં આવનાર છે. જેના ભાગરૂપે તા. ૨૮.૪.૨૦૧૮ના રોજ વર્લ્ડ વેટરનરી ડેની ટાઉન હોલ ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવનાર છે. જેની વિષયવસ્તુ દર વર્ષે વિશ્વ કક્ષાથી નક્કી કરવામાં આવે છે. આ વર્ષનો વિષય ખાદ્ય સુરક્ષા, કાયમી ધોરણે જીવન નિર્વાહ અને સલામતીમાં પશુચિકિત્સા વ્યવસાયનો મૂળભૂત ફાળો છે. આ દિવસની ઉજવણી પશુચિકિત્સા વ્યવસાયિકો તથા પશુચિકિત્સા સાથે સંકળાયેલ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. આ દિવસે વિશ્વ પશુ આરોગ્ય સંસ્થા અને વર્લ્ડ વેટરનરી એસોસીએશન દ્વારા વર્લ્ડ વેટરનરી એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે. વિશ્વની વસ્તીનો મોટો હિસ્સો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે જ્યાં પશુપાલન વ્યવસાય લોકોની આજીવિકા અને ખોરાકની પહોંચ માટે અનિવાર્ય છે. આ વિસ્તારોમાં ધણા ખેડુતોની આવકનો મુખ્ય સ્ત્રોત પશુપાલન વ્યવસાય છે. કૃષિમાં જમીનની ફળદ્રુપતા જાળવવા, વાવણી અને પરિવહન માટે પશુપાલન વ્યવસાય એ અતિ મહત્વનું અંગ છે. પશુ રોગો અટકાવવા, તેને નિયંત્રિત કરવા, સલામત ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુરક્ષિત ખોરાક તેમજ લોકો અને પ્રાણીઓના આરોગ્ય અને કલ્યાણમાં પશુચિકિત્સકો મહત્વની ભૂમિકા ભજવે છે.

(9:10 pm IST)