Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

અડાલજ પોલીસે બાતમીના આધારે અમેરિકાના નાગરિકને લોન અપાવવાના બહાને છેતરપીંડી આચરનાર કોલ સેન્ટર ઝડપ્યું

અડાલજ: પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઉવારસદના બંગલામાં ચાલતાં કોલ સેન્ટરને ઝડપી પાડયું હતું. મુખ્ય સંચાલક સહિત છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને કોમ્પ્યુટર, ફોન તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી ૪.૮૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જ્યારે આ ગુનામાં સપડાયેલા અન્ય ચાર આરોપીઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.ખાસ પ્રકારના સોફટવેર થકી આ શખ્સો વિદેશમાં કોલ કરીને છેતરપીંડી આચરતા હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં એક સમયે બોગસ કોલ સેન્ટરોનો ધમધમાટ વધ્યો હતો તો અમદાવાદ શહેરમાં સ્થાનિક પોલીસની મદદથી બોગસ કોલ સેન્ટર ચાલતા હોવાનો ભાંડો ફુટયો હતો. જેના પગલે રાજય સરકારે પણ આવા કોલ સેન્ટરો સામે કડક હાથે કામ લેવા માટે તાકીદ કરી હતી. ગાંધીનગર પોલીસ દ્વારા અગાઉ ઈન્ફોસીટી અને સાંતેજમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપી લેવામાં આવ્યા હતા અને આરોપીઓને પણ પકડી લેવાયા હતા. ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદમાં વૃંદાવન બંગલોઝ બંગલા નં.૪૧માં નીખીલ રાવાણી અને કૌેશલ પરીખ નામના શખ્સો બોગસ કોલ સેન્ટર ચલાવી અમેરિકાના નાગરિકો સહિત વિદેશીઓ સાથે છેતરપીંડી આચરતા હોવાની બાતમી અડાલજ પોલીસને મળી હતી. જેના આધારે પીઆઈ જે.જી.વાઘેલા અને તેમની ટીમે દરોડો પાડતાં નીખીલ ગીરધારીલાલ રાવાણી, પ્રતિક મનોજભાઈ બાવીસકર, પ્રિતમસિંહ સહદેવસિંહ રાજપૂત, નીકેશ કિશોરકુમાર ચૌહાણ, તુષાર વિજેન્દ્રભાઈ કશ્યપ, સચીન હરેશભાઈ પંડયાને ઝડપી લેવામાં આવ્યા હતા.

(6:26 pm IST)