Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કરોડોનું સામ્રાજ્યનું શાશન હવે આસારામની પુત્રી ભારતીને સોંપાયું :400 જેટલા આશ્રમની જવાબદારી પણ નિભાવશે

 નવી દિલ્હી :આસારામને સગીરા સાથે દુષ્કર્મ મામલે આજીવન કેસની સજા થતા હવે આગામી 14 વર્ષ સુધી બહાર આવવાનું લગભગ અશક્ય છે.આસારામનો પુત્ર નારાયણ સાંઇ પણ બળાત્કારનો ગંભીર આરોપ છે અને તે હાલ સુરતની લાજપોર જેલમાં છે. ત્યારે આસારામના કરોડો રૂપિયાના સામ્રાજ્યનું શાસન હવે આસારામની 41 વર્ષની દીકરી ભારતીને સોંપાયું છે જેમાં દેશ અને વિદેશમાં આવેલા 400 જેટલા આશ્રમની જવાબદારી પણ ભારતી નિભાવશે.

   એમ કહેવાય છે કે આસારામની આશ્રમની પ્રોપર્ટીની કિંમત અંદાજે 12000 કરોડ છે અને આ ઉપરાંત, વિવિધ ફિક્સ ડીપોઝીટ તેમજ અન્ય મિલકતો મળીને તેની કિંમત 15000 કરોડની ઉપરાંત, છે ત્યારે આ તમામ પ્રોપર્ટીનું સંચાલન ભારતીએ તેના હાથમાં લીધુ છે. જો કે આસારામ આશ્રમ આધ્યાત્મિકતા પર ચાલે છે જેથી આસારામની માફક સતસંગની પ્રવૃતિ સંભાળશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આસારામની પત્ની લક્ષ્‍મી પણ મોટેરા આશ્રમ રહે છે પણ તેની તબિયત નાદુરસ્ત રહેતા હવે આસારામને સજા થતા તે સક્રિય થઇ છે અને હવે નિયમિત રીતે સંસ્થાની કામગીરી જોશે અને પ્રવચન પણ આપશે. જો કે છેલ્લાં ત્રણ વર્ષથી ભારતીએ તેના પિતાની જેમ પ્રવચનની શરૂઆત કરી દીધી છે અને તેના ભક્તો પણ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે.

   ભારતી પણ ચાંદખેડા ખાતે નોંધાયેલા કેસમાં આરોપી છે અને હાલ તે જામીન પર છે. તેના પર સુરતની યુવતીએ આક્ષેપ લગાવ્યો હતો કે ભારતી પણ આસારામ માટે યુવતીઓ લઇને તેના રૂમમાં લઇ જતી હતી. જો કે આ બાબત સાબિત કરવી પોલીસ માટે ખુબ કઠીન છે. જેથી ભારતીને ખાતરી છે કે હવે આસારામની મિલકતોની તે એકલી વારસદાર છે.

  ભારતીનો અભ્યાસ એમ કોમ સુધીનો છે અને તેના લગ્ન 1997માં આસારામના ભક્ત પરિવારમાંથી આવતા હેંમત બોરાની સાથે થયા હતા પણ ત્રણ વર્ષમાં જ તેનું લગ્ન જીવન ડામાડોળ થઇ જતા તેણે વર્ષ 2001માં છુટાછેડા લઇ લીધા હતા અને બાદમાં આશ્રમમાં જ રહેતી હતી. અને વર્ષ 2007થી તેણે પ્રવચન આપવાનું પણ શરૂ કરી દીધુ હતું.

   જો કે આ અગે મોટેરા આશ્રમના સંચાલક વિકાસ ખેમકા કહે છે કે હાલ બધા આશ્રમ અંગેનો નિર્ણય ટ્રસ્ટી મંડળ દ્વારા લેવામાં આવે છે અને ભારતીને સમગ્ર વહીવટ સોંપવામાં આવ્યો તે વાત સાવ ખોટી છે.

(2:46 pm IST)