Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

હિંમતનગરના માળીના છાપરીયા ગમે લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા મુદ્દે બે જૂથ વચ્ચે ધીંગાણું :સાતને ગંભીર ઇજા

રીક્ષા,બાઈક અને પાનના ગલ્લામાં તોડફોડ :ગુપ્તી ધારિયા અને લાકડીઓ લઈને તૂટી પડ્યા


અમદાવાદ: હિંમતનગરના માળિના છાપરિયામાં મોડી રાતે લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા બાબતે બે જૂથો વચ્ચે થયેલા ધિંગાણામાં ઓછામાં ઓછી સાત વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

   પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બનાવની વિગત એવી છે કે હિંમતનગરના માળિના છાપરિયા ખાતે રહેતા મફાજી ડાયાજી ભીલ તેના સંબંધીના દીકરાની જાન લઇ મોતીપુરા ગયા હતા. પાંચેક વાગ્યે લગ્ન પૂરા થયા બાદ હિંમતનગર પરત આવ્યા હતા
 . આ વખતે બસસ્ટેન્ડ પાસે રહેતા મનોજી ભીલ, પ્રવીણજી ભીલ, રાહુલજી ભીલ આ ત્રણેય એક ટોળા સાથે લગ્ન મંડપમાં આવ્યા હતા અને કહ્યું હતું કે અમારા છોકરાઓને કેમ ઢોલ વગાડવા દેતા નથી?

  આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઉપરોક્ત ત્રણેય શખસ ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ મોડી રાતે ફરી લગ્ન મંડપમાં આવ્યા હતા અને બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. હુમલાખોરોએ એક રિક્ષા, બાઇક, એક ગલ્લો અને છાપરામાં ભારે તોડફોડ મચાવતા નાસભાગ થઇ ગઇ હતી.

  ગુપ્તી, ધારિયા અને લાકડીઓ જેવા હથિયાર સાથે આવેલા ટોળાએ આતંક મચાવતા ભયની લાગણી પ્રસરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે આ સ્થળે પહોંચી જઇ આ ઘટનામાં ઘવાયેલા સાત જણાને સારવાર માટે ખસેડી રાયોટિંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

(2:53 pm IST)