Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જીવિત વ્યક્તિને મૃત જાહેર કરી અન્યનો મૃતદેહ પરિવારને સોંપાયો

કોવિડ હોસ્પિટલની બેદરકારી સામે લોકોનો આક્રોશ : દર્દીના સગાવહાલાઓનો હોસ્પિટલમાં ભારે હંગામો, ઓક્સિજનના અભાવે દર્દીની સ્થિતિ કફોડી

તાપી, તા.૨૭ : તાપી જિલ્લાની વ્યારાની કોવિડ ૧૯ હોસ્પિટલમાં જીવિત વ્યક્તિને મૃત ઘોષિત કરી બીજા દર્દીનો મૃતદેહ તેમના સગાવ્હાલાઓને આપવાની ઘટનામાં દર્દીઓના સગાવ્હાલાઓએ હંગામો મચાવ્યો હતો. નિઝરના ૮૯ વર્ષીય વ્યક્તિનું કોરોના સારવાર દરમ્યાન મોત થયું હતું. તેમનો મૃતદેહ જીવિત વ્યક્તિનો હોવાનું જણાવી તેમના પરિવારજનોને સોંપાતા દર્દીના સગાવ્હાલા પણ ચોંકી ગયા હતાં. વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે આકાશ પંચોલીએ પોતાના દાદા ધીરજભાઈ નરોત્તમભાઈ પંચોલીને શ્વાસની તકલીફ થવાથી તેઓને સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પરંતુ ત્યાંથી હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું હતું કે વધુ લોકોએ અહીં રોકાવું નહીં.

અંગે ધીરજભાઈ પંચોલીના પૌત્ર આકાશ પંચોલી કહે છે કે મારા દાદા ને શ્વાસ ની તકલીફ થતા અમે તેમને અહીં વ્યારા જનક હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં અમને સીટી સ્કેન કરાવવા કીધું હતું. ત્યારબાદ ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું હતું કે કેસ અહીંનો નથી તમે તેઓને રેફરલ હોસ્પિટલમાં લઇ જાઓ. જ્યારે અમે તેઓને રેફરલ હોસ્પિટલમાં લઈને આવ્યા ત્યારે તેઓએ મારા દાદાનો કોરોના નો રિપોર્ટ કરવા માટે સેમ્પલ લઇ ગયા હતા ત્યારબાદ તમને કીધું હતું કે અહીં બધાએ રોકવાની જરૂર નથી.

કોઈ એક જણા રોકાઓ અને તે પણ હોસ્પિટલ ની પાછળ ની સાઈડ પર અમે બધા જ્યારે ઘરે ગયા અને ઘરમાં હજુ તો પગ મૂક્યો છે ત્યાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા પેશન્ટની કન્ડિશન ખૂબ ક્રિટિકલ છે જલ્દી હોસ્પિટલ આવી જાઓ. જેવા અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું કે તમારું પેશન્ટ એક એક્સપાયર થઈ ગયું છે. અમને મારા દાદા ના નામ ની રસીદ પણ આપવામાં આવી પરંતુ અમને જે મૃતદેહ આપવામાં આવ્યો તે મારા દાદાનો હતો નહીં કેમકે મારા દાદા જીવિત હતા.

અમને જે બોડી આપવામાં આવી તે નિઝરના ૮૯ વર્ષીય રતન શ્યામ પટેલની હતી. જેઓનું પણ કોરોનામાં મૃત્યુ થયું હતું. આમ આજે વ્યારા કોવિડ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી હતી. જીવિત વ્યક્તિને મૃત ઘોષિત કરી બીજા દર્દીનો મૃતદેહ આપવાની કોશિશ કરી હતી. પોતાના દાદા જીવીત હોવા છતાં અન્યનો મૃતદેહ પકડાવી દેતા દર્દીના સગાઓએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો અને હોસ્પિટલ પર આક્ષેપો કર્યા હતા તેમણે કહ્યું હતું કે ઓક્સિજનના અભાવે દર્દીઓની હાલત ખૂબ કફોડી છે.

(8:35 pm IST)