Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સુરતના પાંડેસરા વિસ્તારમાં કોરોનાની વેક્સીન મુકાવવા જઈ રહેલ આધેડ મહિલાને વાતોમાં ભોળવી ગઠિયા 40 હજારના દાગીના સેરવી ફરાર.....

સુરત: શહેર ના પાંડેસરા વિસ્તારમાં રહેતા આધેડ મહિલા આઠ દિવસ અગાઉ આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની વેક્સીન મુકાવવા જતા હતા ત્યારે ભેટી ગયેલા ત્રણ ગઠિયા દાન અપાવવાના બહાને વાતોમાં ભોળવી રૂ.40 હજારના દાગીના સેરવી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં પરિવાર સાથે પાંડેસરા હાઉસીંગ પત્રકાર કોલોની સામે ગણેશનગર પ્લોટ નં.80 માં રહેતા 56 વર્ષીય યશોદાબેન સયાજીભાઇ પાટીલ ગત 19 મી ની સાંજે ચાર વાગ્યે પાંડેસરા કૈલાશનગર ચોકડી પાસે આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની રસી મુકાવવા જતા હતા ત્યારે રસ્તામાં માથે નાનો કેસરી ચાંલ્લો કરેલા યુવાને અટકાવી મરાઠીમાં કહ્યું હતું કે માસી મારા શેઠને ત્યાં 30 વર્ષ બાદ છોકરો થયો છે, તમે દાન લીધું? તે સાડી, કપડાં, ચંપલ અને રાશન દાનમાં આપે છે. 

યશોદાબેનના ઇન્કાર છતાં તે યુવાને તેમની પાછળ આવી ફરી તેમને દાન લેવા કહી પોતાની સાથેના 25 થી 30 વર્ષના યુવાનને કહ્યું હતું કે માસીને જગ્યા ઉપર લઈ જા. તે યુવાને યશોદાબેનને સાથે આવવા કહેતા જ તેમનું માથું ભારે થઈ ગયું હતું અને તે યુવાન સાથે ચાલવા માંડયા હતા.

તે યુવાન યશોદાબેનને તેમની સોસાયટી નજીક દવાની દુકાનના ઓટલા પાસે લઈ ગયો હતો અને ત્યાં બેસાડયા ત્યારે માથે ચાંલ્લાવાળા યુવાને આવી તમે દાગીના પહેરી આવશો તો દાન નહીં આપશે કહી દાગીના ઉતારી પર્સમાં મુકવા કહેતા યશોદાબેને રૂ.40 હજારની કિંમતના દાગીના ઉતારી પર્સમાં મુક્યા હતા. 

(5:05 pm IST)