Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

16 વર્ષની સગીરાએ કર્યો ચોંકાવનારો ખુલાસો : મુંબઈ, જયપુર અને વાપીમાં બળજબરીથી દેહવેપાર કરાવાયો

વલસાડ પોલીસે બાંગ્લાદેશની સગીરાને દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી

વલસાડ પોલીસે બાંગ્લાદેશની સગીરાને વલસાડથી મુક્ત કરાવી છે. જેની પાસે બળજબરીથી દેહવેપાર કરાવમાં આવી રહ્યો હતો. આ બાંગ્લાદેશી સગીરાને નોકરીની લાલચ આપી બાંગ્લાદેશથી ગેરકાયદે ઘૂસણખોરી કરાવામાં આવી હતી. અને બાદમાં મુંબઈ, જયપુર, વાપીમાં બળજબરી દેહવેપાર કરાવામાં આવી રહ્યો હતો. વલસાડ પોલીસે સગીરાને મુક્ત કરાવ્યા બાદ બાળ સુરક્ષા વિભાગે બાળકીનો કબજો લઈ કાઉન્સિલિંગ કર્યું હતું. પોલીસે બાળકીને બાંગ્લાદેશ મોકલવા તજવીજ હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર બળજબરીપૂર્વક દેહવ્યાપારનો ભોગ બનતી બાંગ્લાદેશની એક સગીરાને વલસાડમાંથી મુક્ત કરાવાઈ છે.

બાળકીને નોકરી અપાવવાની લાલચ આપી ભારત બાંગ્લાદેશની સરહદ પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવી મુંબઈ લવાઈ હતી. મુંબઇ વાપી અને જયપુર સહિત દેશના અન્ય શહેરોમાં બળજબરીપૂર્વક દેહવ્યાપાર કરાવવા ફેરવવામાં આવતી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલી મહિલાની સાથે રહેલી આ સગીર બાળકી અંગે શંકા જતા હકીકત બહાર આવી હતી. કાઉન્સિલિંગ કમિટી સમક્ષ બાળકીએ અનેક ચોંકાવનારી હકીકતો જણાવી હતી. બાળકીનો કબજો લઇ પોલીસ સાથે સંકલન કરી બાળકીને પરત બાંગ્લાદેશ મૂકવા માટેની પણ તજવીજ હાથ ધરાઈ છે.

વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલી વાપી વિસ્તારની મહિલા સાથે આવેલી બાંગ્લાદેશની આ 16 વર્ષીય તરૂણીને બાંગ્લાદેશના ઢાકા વિસ્તારમાં રહેતા દંપતીએ દેહવિક્રયનાં વેપલામાં હોમી દીધી હોવાની વિગતો જિલ્લા બાળ સુરક્ષા સમિતિ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં બહાર આવી છે. ભોગ બનનાર સગીરાને હાલ ચિલ્ડ્રન હોમમાં મોકલી અપાઈ છે. સગીરાએ પોતે કબૂલ્યું હતુ કે, તે બાંગ્લાદેશના ઢાકા શહેરની રહીશ છે. હવે ભોગ બનનાર આ સગીરાને રાજય અને કેન્દ્રં સરકારની મદદથી બાંગ્લાદેશ પરત મોકલી આપવા વ્યવસ્થા કરાશે.

(11:44 pm IST)