Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વિધાનસભાની સાથે સાથે...

વિવિધ વિષયો પર માહિતી પુરી પાડવામાં આવી

અમદાવાદ, તા. ૨૭ : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે ગઇકાલે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો અને અન્ય જુદા જુદા વર્ગોને આવરી લેવામાં આવ્યા હતા. આજે બજેટ સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં જુદા જુદા વિષયો ઉપર પ્રશ્નો કરવામાં આવ્યા હતા અને સંબંધિત વિભાગો દ્વારા જવાબો અપાયા હતા. આજે વિધાનસભામાં જુદા જુદા વિષય પર ચર્ચા થઇ હતી. સાથે સાથે વિવિધ વિષયો ચમક્યા હતા જે નીચે મુજબ છે.

પકડાયેલા દિપડા પૈકી માનવભક્ષી ૮૨ હજુ કેદ

રાજ્યમાં દિપડા અને દિપડાના બચ્ચાની સંખ્યાના સંદર્ભમાં વિધાનસભા ગૃહમાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના વન્યમંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૬ની છેલ્લા દિપડા ગણતરી મુજબ રાજ્યમાં કુલ ૧૩૯૫ દિપડા નોંધાયેલા છે જે પૈકી ૧૭૭ બચ્ચાનો સમાવેશ થાય છે. માનવભક્ષી દિપડાની સંખ્યા અંગે પૂછવામાં આવતા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ૪૪૨ દિપડા પકડાયા છે જે પૈકી ૮૨ દિપડા એવા હતા જેમના દ્વારા માનવ ઉપર હુમલા કર્યા હતા. ૮૨ દિપડાઓને કેદમાંથી મુક્ત કરાયા નથી. જુનાગઢ જિલ્લામાં ૩૫૪ અને ગીરસોમનાથમાં ૧૧૧ દિપડાઓ છે.

આણંદમાં ૧૨ ગામોમાં કોમ્પ્યુટર સુવિધા

પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે આજે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને દસ્તાવેજો કોમ્પ્યુટરાઈઝ મળે તે માટે પંચાયતોને કોમ્પ્યુટર સુવિધા અપાઈ છે. આણંદ જિલ્લાના આઠ તાલુકામાં ૧૨ ગામોને કોમ્પ્યુટર સુવિધા પુરી પાડવામાં આવી છે. કોમ્પ્યુટરની સાથે પ્રિન્ટર, સ્કેનર, બ્રોડબેન્ડ કનેક્ટીવીટી, યોગ્ય સોફ્ટવેરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

પુસ્તક ચોરીમાં બે આરોપી પકડાયા

રાજ્યના શિક્ષણરાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ ગાંધીનગર શહેરમાં આવેલા ગોડાઉનમાંથી પુસ્તક ચોરી સંદર્ભે કહ્યું હતું કે, પુસ્તક ચોરી માટે બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ગાંધીનગર શહેરમાં સ્થિત ગોડાઉનમાંથી ચોરી થયેલા પુસ્તકોની કિંમત ૪૨.૨૭ લાખ રૂપિયા થાય છે.

ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયતોમાં નાગરિક સુવિધા

પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, ૧૪માં નાણાપંચ હેઠળ ગ્રામ પંચાયતોમાં પીવાના પાણી, ગટર, ફુટપાથ, મનરેગા, -ગ્રામ, વિજળી જેવા નાગરિક સુવિધાના કામો કરવામાં આવ્યા છે. હાલોલ તાલુકામાં ૧૪માં નાણાપંચ હેઠળ મંત્રીએ જણાવ્યું હતું કે, ૨૦૧૮-૧૯માં ૮૪૭.૯૦ લાખની બેઝિક ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.

(8:51 pm IST)