Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

નડિયાદ તાલુકાની ડભાણ ચોકડી નજીક આવેલ હોટલમાં પોલીસના દરોડા:81 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

નડિયાદ:તાલુકાના ડભાણ ચોકડી નજીક આવેલ એક હોટલમાં આજે વહેલી સવારે પોલીસની ટીમે દરોડો પાડી રૂ.૮૧,૬૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે કુલ રૂ.૯૧,૬૦૦નો મુદ્દામાલ કબજે લઈ દારૂનો જથ્થો મંગાવનાર હોટલનો માલિક તેમજ દારૂના જથ્થા સાથે પકડાયેલા બે ઈસમો વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ડભાણ ચોકડી નજીક જય જલારામ હોટલ આવેલી છે. આ હોટલમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની માહિતી આજરોજ વહેલી સવારે નડિયાદ ડિવિઝન સ્ક્વોર્ડની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં ડભાણ ચોકડી નજીક આવેલ જય જલારામ હોટલમાં દરોડો પાડ્યો હતો. અને પોલીસે હોટલની આગળ બેઠેલાં ધવલકુમાર પ્રભુદાસ કાપડી અને પુરણદાસ આશારામ કાપડી (બંને રહે.ભચાઉ,જિ.કચ્છ)ને ઝડપી પાડ્યા હતા. બંને ઈસમોને સાથે રાખી હોટલમાં તલાશી લેતાં એક રૂમમાં મૂકેલી ૧૭ પેટીઓમાંથી વિદેશી દારૂની ૨૦૪ નંગ બોટલો કિંમત રૂા.૮૧,૬૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો તેમજ પકડાયેલા ઈસમો પાસેથી મળી આવેલ બે મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ.૯૧,૬૦૦નો મુદ્દમાલ કબજે લીધો હતો. અને કડકાઈ દાખવી પકડાયેલા બંને ઈસમોની પૂછપરછ કરી હતી. જેમાં આ દારૂનો જથ્થો જય જલારામ હોટલના માલિક રાયસીભાઈ ઉર્ફે મામા (રહે.ડભાણ,તા.નડિયાદ)એ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

(5:44 pm IST)