Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ત્રિરંગાના રંગો ત્યાગ, કર્મ, પ્રકાશ, પવિત્રતા, સમૃધ્ધિના પ્રતીક છેઃ ભાગવત

આપણા સંવિધાનમાં નાગરિક અધિકારની સાથે નાગરીક કર્તવ્યની પણ વાત છે, બધાને સ્વીકારવું, સંયમ પૂર્વક જીવન જીવવું અને સતત કર્મ કરતા રહી સર્વત્ર મંગલ કરવું એ આપણા દેશનું પ્રયોજન છેઃ કર્ણાવતીમાં મોહન ભાગવતજીના હસ્તે ધ્વજવંદન

રાજકોટ : આરએસએસના સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવતે સંઘ કાર્યાલય કર્ણાવતી ખાતે ઘ્વજ વંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આપણે જન ગણ મન ગાઈએ છીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે ભારત ભાગ્ય વિધાતાને નમન કરતાં આપણે આપણા દેશનું સ્મરણ કરીએ છીએ. દેશની ભૂમિ, તેની સીમા, પહાડો, નદીઓ, જન, જંગલ, પ્રાણીઓ, પુત્રો, પર્યાવરણ, ભૂમિ આ બધા આપણી આંખો સામે આવે છે. ભારતીય લોકો આસ્તિક બુદ્ઘિના લોકો છે. પોતાની શ્રદ્ઘાને સુરક્ષિત રાખી દેશ માટે પ્રાર્થના કરીએ છીએ, તે પ્રાર્થનામાં ભારત માતાનાં સ્વરૂપનું વૈચારિક દ્રષ્ટિથી દર્શન કરી અને ભારતમાતાનાં પૂજન સમયે તેમનું અખંડ સ્વરૂપનું ચિંતન કરીએ છીએ. આપણે કહીએ છીએ 'તવ શુભ નામે જાગે' જેમાં જાગૃતિનું પ્રત્યક્ષ સ્વરૂપ સંવિધાન સમ્મત ત્રિરંગો ધ્વજ છે.

ત્રિરંગાના રંગો ત્યાગ, કર્મ, પ્રકાશ, પવિત્રતા, સમૃદ્ઘિના પ્રતીક છે. બધાને સ્વીકારવું, સંયમપૂર્વક જીવન જીવવું અને સતત કર્મ કરતા રહી સર્વત્ર મંગલ કરવું એ આપણા દેશનું પ્રયોજન છે. ભાષણથી નહિ પોતાના જીવનથી લોકોનું માર્ગદર્શન કરવું જોઈએ. મનની સમૃદ્ઘિની આરાધના કરવા વાળા શુદ્ઘ ચારિત્ર્યવાળા લોકો જયારે સતત પ્રયાસ કરશે ત્યારે શુભ નામથી ભારત જાગશે.

આ આપણું ગણતંત્ર છે જેને ચલાવનાર આપણે જ છીએ. આપણા સંવિધાનમાં નાગરિક અધિકારની સાથે નાગરીક કર્તવ્યની પણ વાત છે. સંવિધાનને વાંચતા દેશને કઈ દિશામાં આગળ લઈ જવો તે ખબર પડે છે એટલે અવશ્ય વાંચવું જોઈએ. દર વર્ષે ધ્વજવંદન થાય પણ એની પાછળનો જે ભાવ છે, ઉદેશ્ય છે એ જળવાવો જોઈએ અને કામ કરવું જોઈએ તે જ આજના દિવસનો પાથેય છે.

(10:25 am IST)