Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

૧૭ વર્ષ બાદ માણેકચોકનું ખાણીપીણી બજાર બંધ થયુ

જરૂરી કામગીરીના કારણે માર્કેટ પાંચ દિવસ બંધ : રસ્તાનું કામ રાત્રે કરવાનું હોવાથી દિવસે બજારની સોના-ચાંદી સહિતની દુકાનો ખુલ્લી રહેશે : કોર્પોરેશનનો નિર્ણય

અમદાવાદ, તા. ૨૭ : આજથી ૫ાંચ દિવસ માટે અમદાવાદીઓ માણેકચોકના ખાણી-પીણીના બજારનો સ્વાદ નહીં માણી શકે. માણેકચોકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.૨૫ કરોડના ખર્ચે વર્ષો બાદ નવો રોડ બનાવવાની કામગારી હાથ ધરવામાં આવનાર છે. જેને લઈ આ ખાણી-પીણી બજાર પાંચ દિવસ પૂરતું  બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલબત્ત, રસ્તાનું કામ રાત્રે કરવાનું હોવાથી દિવસ દરમિયાન માણેકચોક બજારની દુકાનો ખુલ્લી રહેશે. બાદમાં, રાત્રે રોડ અને સમારકામની કામગીરી ચાલું રહેશે.

          ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ વખતે પણ માણેકચોકની ખાણીપીણી બજાર બંધ કરવામાં આવી હતી. એક તરફ અમદાવાદમાં રાત્રે ખાણીપીણી માટે જાણીતા એવા લો ગાર્ડન ખાણી-પીણી બજાર એક વર્ષથી બંધ છે. ત્યારે ૧૭ વર્ષ બાદ હવે ફરી એકવાર માણેકચોક ખાણીપીણી બજાર પણ આજથી ૫ાંચ દિવસ માટે બંધ રહેશે. જેથી અમદાવાદીઓએ અન્ય ખાણી-પીણી બજારમાં જવું પડશે. વર્ષો બાદ માણેકચોકના અને ખાડિયા વોર્ડમાં રોડ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જેથી માણેકચોક બજાર રાત્રિના સમય બંધ રાખવામાં આવશે. જો કે, સ્થાનિક વેપારીઓએ પણ રાત્રિના સમયે ખાણીપીણી બંધ રાખવાના અમ્યુકોના નિર્ણયને સમર્થન આપ્યું છે.

(8:32 pm IST)