Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

વસો તાલુકાના પીજ નજીક રાત્રીના સુમારે ટ્રેકટર પાછળ બાઈક ધડાકાભેર ઘુસી જતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વસો: તાલુકાના પીજ ગામની સીમમાં રોડ પર ગઈકાલે રાત્રીના સુમારે સિગ્નલ લાઈટ બતાવ્યા વગર રોડ પર પુળા ભરેલા ટ્રેકટરની ટ્રોલીની પાછળ બાઈક અથડાતાં ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે વસો પોલીસે ટ્રેક્ટરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યાવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વસોમાં રહેતાં હર્ષદભાઈ ગોરધનભાઈ ભોઈ (ઉં.વ ૫૪) નડિયાદમાં પીજ ચોકડી પર આવેલ રિયલ નમકીન ફેક્ટરીમાં નોકરી કરે છે. ગતરોજ હર્ષદભાઈની નાઈટ શિફ્ટમાં નોકરી હોઈ તેઓ સાંજના સાત વાગ્યા બાદ પોતાનું બાઈક નં. જીજે-૨૩ એન-૪૩૨૬ લઈ પોતાના ઘરેથી નોકરીએ જવા નીકળ્યાં હતાં. દરમિયાન પોણા આઠ વાગ્યાના અરસામાં તેઓ બાઈક લઈ પીજ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે રોડ પર પુળા ભરેલ ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ન.ં જીજે-૦૭, ડીએ-૧૩૩૬ બ્રેકલાઈટ સિગ્નલ વગર ઊભુ હતું. અંધકાર છવાઈ ગયો હોવાને પગલે રોડ પરથી બાઈક લઈ પસાર થતાં હર્ષદભાઈને આગળ રોડ પર ઊભેલું ટ્રેક્ટર નજરે પડ્યું ન હતું. જેથી હર્ષદભાઈ બાઈક લઈ રોડ પર ઊભેલા ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર ઘુસી ગયાં હતાં. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા હર્ષદભાઈને તાત્કાલિક સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ હર્ષદભાઈ ગોરધનભાઈ ભોઈને મૃત જાહેર કર્યાં હતાં.

(5:38 pm IST)