Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

મલ્ટિપ્લેક્સને સળગાવવાના પ્રકરણમાં સૂત્રધાર ઝડપાયો

પોલીસે સાણંદમાંથી તેના ઘેરથી જ ઝડપી લીધો : ગ્રામ્ય એલસીબી તેમજ એસઓજીના અધિકારીઓનું સંયુકત ઓપરેશન : નવી વિગત બહાર આવે તેવી શક્યતા

અમદાવાદ,તા. ૨૭ : પદ્માવત ફિલ્મના વિરોધને લઇ ગઇકાલે મોડી સાંજે કરણી સેના અને રાજપૂત સમાજના કાર્યકરો સહિતના તોફાની ટોળાઓએ શહેરના હિમાલયા મોલ, અમદાવાદ વન મોલ અને એક્રોપોલિસ ખાતેના પીવીઆર સહિતના પાંચેક મલ્ટિપ્લેક્સ ખાતે ૧૦૧થી વધુ વાહનોમાં આગચંપી અને તોડફોડના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધાર આરોપી એવા માસ્ટરમાઇન્ડ રાજેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ કરી લીધી છે. ગ્રામ્ય એલસીબી અને એસઓજી પોલીસે હાથ ધરેલા સંયુકત ઓપરેશનમાં માસ્ટર માઇન્ડ આરોપી રાજેન્દ્રસિંહ વાઘેલાની સાણંદ સ્થિત તેના મકાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મુખ્ય સૂત્રધારની પૂછપરછના આધારે આ પ્રકરણની ખૂટતી કડીઓ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. શહેરના પાંચેક મલ્ટિપ્લેક્સ પર આગંચપી અને તોડફોડ પ્રકરણમાં શહેર પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો કે, શહેરમાં આગચંપી અને તોડફોડ કરી શાંતિ ડહોળવાનું કૃત્ય એ કરણીસેનાનું પૂર્વઆયોજિત કાવતરૃં હતું અને આ કાવતરૃં  કરણી સેનાના રાજેન્દ્રસિંહ વાઘેલાના નેજા હેઠળ સાણંદની આદર્શનગર સોસાયટી ખાતે યોજાયેલી આગેવાનોની બેઠકમાં ઘડવામાં આવ્યું હતું. ત્યારબાદ મીટીંગમાં નક્કી થયા મુજબ કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો. જે અંગે સેટેલાઇટ  પોલીસમથકમાં એક અને વસ્ત્રાપુર પોલીસમથકમાં ત્રણ એમ મળી કુલ ચાર ગંભીર ગુનાઓ આ કાર્યકરો સહિતના તોફાની ટોળાઓ વિરૂધ્ધ દાખલ કરાયા હતા. ચકચારભર્યા આ પ્રકરણમાં પોલીસે   કુલ ૪૫થી વધુ આરોપીઓની ધરપકડ કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જો કે, તા.૨૪મી જાન્યુઆરીએ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે તમામને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓ વિરૂધ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ-૩૦૮ સહિતની આકરી કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ ચાલુ રાખી હતી,જેમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આ સમગ્ર પ્રકરણનો મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ રઘુભા વાઘેલા સાણંદ ખાતે આદર્શ સોસાયટીમાં તેના ઘેર આવ્યો છે, તેથી ગ્રામ્ય એલસીબી અને એસજીઓના અધિકારીઓએ ભારે ગુપ્તતાપૂર્વક ઓપરેશન પાર પાડી તેને ઝડપી લીધો હતો.

(8:30 pm IST)