Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સાંતલપુર તાલુકાના શેરપુરા ગામની સીમમાંથી પસાર થતી માનપુરા ડિસ્ટ્રી કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યાં

સાંતલપુર:તાલુકાના શેરપુરા ગામની સીમમાંથી પસાર થતી માનપુરા ડીસ્ટ્રી કેનાલમાં વહેલી સવારે ૨૦ ફુટનું ગાબડુ પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. કેનાલમાં પડેલ ગાબડાને કારણે ખેતરોમાં કરેલુ જીરુ, રાયડો તેમજ એરંડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટુ નુકશાન થવા પામ્યું હતું. કેનાલ તુટવાને કારણે નુકશાની વેઠતા ખેડૂત જાનકીદાસે જણાવ્યું હતું કે ચોમાસામાં અતિવૃષ્ટીને કારણે સીઝન ફેઈલ ગઈ હતી. જ્યારે શિયાળુ વાવેતર કરવા મોંઘાભાવનો બીજવારો લાવવા ઉછીના નાણા લીધા હતા અને અમોએ ખેતરમાં વાવેતર કર્યું હતું. પરંતુ નર્મદાની કેનાલ સીઝનમાં બે-બે વખત તુટતા અમારો પાક નષ્ટ થયો છે. જેના કારણે અમારે જીવવું મુુશ્કેલ બન્યું છે. જ્યારે અમરતભાઈએ જણાવ્યું હતું કે કેનાલની કામગીરી હલકી ગુણવત્તા વાળી હોવાને કારણે વારંવાર ગાબડા પડે છે. પંદર દિવસમાં બીજી વખત ગાબડુ પડવાને કારણે અમોએ કરેલ રચકો, જીરૃ અને ઘઉંના પાકમાં પાણી ફરી વળ્યું છે. જેને લઈને અમોએ મોટુ નુકશાન થવા પામ્યું છે. નિગમ સામે રોષ ઠાલવતા વધુમાં જમાવ્યું હતું કે નર્મદા કેનાલોને કારણે ખેડૂતોને કોઈ લાભ થવા પામ્યો નથી. સીઝનમાં પહેલા પાણી આપતા નથી અને પાણી આપે ત્યારે બેફામ પાણી છોડવાને કારણે કેનાલોમાં ગાબડા પડે છે. જેના કારણે ખેડૂતોને નુકશાન થવાથી ખેડૂતો દેવામાં ડૂબ્યા હોવાની વાત પણ તેઓએ કરી હતી. માનપુરા ડીસ્ટ્રી કેનાલમાં પંદર દિવસ અગાઉ પડેલ ગાબડુ રિપેર કરીને ગયા બાદ ફરી એજ જગ્યાએ ગાબડુ પડવાનું કારણ કોન્ટ્રાક્ટર દ્વારા રીપેરીંગ કામ બરાબર કરવામાં ના આવ્યું હોવાનું અને આગળ કેનાલ સફાઈની કામગીરી ના થતા કેનાલ ઓવરફ્લો થવાને કારણે ફરી ગાબડુ પડયું હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.

(5:58 pm IST)