Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સુરતમાં લોકડાઉન-કોરોનાના કારણે કાપડ ઉદ્યોગ સાથે સાંકળાયેલા બોકસ મટીરીયલ્સના વેપારીઓને ભારે નુકશાનઃ શાળા-કોલેજો બંધ રહેતા પેપર વેસ્ટેજની મોટા પ્રમાણમાં અછત

સુરત :લોકડાઉનના કારણે અનેક ધંધા-વેપાર બેરોજગાર બન્યા છે, ત્યારે સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલો બોક્સ મટિરિયલ્સના વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ કરવાની નોબત આવી છે. લોકડાઉનમાં શાળા-કોલેજો બંધ રહેતા પેપર વેસ્ટેજની મોટા પ્રમાણમાં અછત વર્તાય છે. વેસ્ટેજ ઉપરાંત શિપિંગ કંપનીઓ દ્વારા વધારો કરાયેલા ચાર્જિંગની અસર વચ્ચે વર્ષે રૂપિયા 8૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી સુરત પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. ઘણા એકમ ધારકોએ પોતાના એકમો બંધ કરી દેવાની સાથે ધંધો બદલી દેવાની નોબત આવી છે.

લોકડાઉનને કારણે સુરતનો કાપડ ઉદ્યોગ મરી પરવાર્યો છે. અનેક વેપારીઓએ પોતાની દુકાનના તાળા મારી દીધા છે. ત્યારે આ ધંધા સાથે સંકળાયેલા બોક્સ પેકેજિંગના નાના વેપારીઓને પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે કેટલાક વેપારીઓ તો પોતાનો ધંધો બંધ કરી દીધો છે અને અન્ય ધંધામાં જોડાઇ ગયા છે. સુરત માર્કેટ સાથે આવા સેંકડો પ્લેયર સંકળાઈને સાડી પેકિંગ માટે  બોક્સ તૈયાર કરે છે. આ ઇન્ડસ્ટ્રી થકી ચારથી પાંચ લાખ લોકોને રોજગારી મળે છે. આ સેક્ટર 800 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે. જેમાં ૩૦થી ૪૦ ટકા ની અસર થઇ છે.

વધુમાં આયાતી raw materials દરમાં પણ ૨૦ ટકા સુધીનો ભાવ વધારો નોંધાયો છે. કારીગરોને બમણી મંજૂરી આપવા છતાં કામે ચઢવા ઈન્કાર કરે છે. આવા સંજોગોમાં બોક્સની પડતર ઉત્પાદકોને મોંઘી પડતા ૧૫થી ૨૦ ટકા સુધીનો બોક્સની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમા મંદીને લઈ 10 ટકા એકમ બંધ પણ થયા છે. એસોસિએશનના પ્રમુખ દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, અમારી ઈન્ડસ્ટ્રી પેપર વેસ્ટમાંથી બોક્સ તૈયાર કરે છે. શાળા કોલેજ બંધ રહેવાના કારણે પેપર વેસ્ટ ઘટી ગયું છે. સુરતમાં રૂપિયા ૧૦ થી લઈને ૭૦ સુધીના બોક્સ સાડીઓ માટે તૈયાર થાય છે. સરેરાશ રૂપિયા ૨૦ ના બોક્સની ડિમાન્ડ રહેતી  હોય છે. બોક્સ પેકેજિંગ મેન્યુફેક્ચરર્સને નડી રહેલી સમસ્યા અને રો મટિરિયલ્સના દર વધી રહ્યા છે. તેને જોતાં પ્રતિ બોક્સ રૂપિયા બેથી પોણા ત્રણ સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

(5:40 pm IST)