Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

પાવાગઢ પરિક્રમાનો આજથી પ્રારંભ: લગભગ ૫૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓ સ્વયંભૂ જોડાયા

વડોદરા: રામાયણ કથાકાર મોરારી બાપુએ પાવાગઢ પરિક્રમાની શુભકામના પાઠવી છે. તેમને જણાવ્યું છે કે સંસ્કૃતિ અને ધર્મને અનુરૂપ યોજાતી પરિક્રમા આદિ રિવાજ રહ્યો છે. જેમ વેદની વેદિકા અને સિદ્ધ પુરુષની પાદુકાનું મહત્વ હોય છે, તેમ મા મહાકાળી ના જ્યાં બેસણા છે, તેવા શક્તિપીઠ પાવાગઢનું પણ આગવું મહત્વ છે. આપણે ત્યાં કૈલાસ માનસરોવર, ગોવર્ધન, ચિત્રકૂટ અને ગિરનારની પરિક્રમાઓ યોજાતી આવે છે. પરિક્રમાના આયોજન માટે પૂજ્ય બાપુએ પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર અને સમાજને શુભકામનાઓ પાઠવી છે તેમ પ્રસન્નતા વ્યક્ત કરી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ મા મહાકાળીના ધામ પાવાગઢની પરિક્રમાનો આજથી પ્રારંભ થનાર છે. છેલ્લા ત્રણ વર્ષથી શરૂ થયેલા પરિક્રમા પંચ મહોત્સવનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પાવાગઢ પરિક્રમા અનન્ય મહાત્મ્ય ધરાવે છે. એવું કહેવાય છે કે પરિક્રમા એક અશ્વમેઘ યજ્ઞની ફળશ્રૂતિ સમાન છે. પાવાગઢની ટોચ ઉપર આવેલા માતાજીના મંદિરથી છેક નીચે ખૂણેશ્વર મહાદેવના મંદિર સુધી માતાજીનું શરીર માનવામાં આવે છે. આથી ભક્તો માતાજીની સંપૂર્ણ પ્રદક્ષિણા કરી શકે તે માટે પરિક્રમાની શરૂઆત પૌરાણિક સમયમાં શરૂ થયેલી. વચ્ચેના સમયગાળામાં પાવાગઢ વિસ્તારમાં વિધર્મી શાસકોના કારણે પરિક્રમા બંધ હતી, જેને છેલ્લા ત્રણ વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા ફરીથી શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે પરિક્રમામાં લગભગ ૫૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓ સ્વયંભૂ જોડાયા હતા. પાવાગઢની પરિક્રમા પાવાગઢ દિવસ એટલે કે હિન્દુ મહિનાના માગશર માસની અમાસથી શરૂ થાય છે. ચાલુ વર્ષે માગશરની અમાસ આજે છે એટલે કે આજના દિવસે પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થશે. પરિક્રમા પાવાગઢની તળેટીમાં આવેલા ચાંપાનેર ગામ વાઘેશ્વરી માતાના મંદિરથી શરૂ થાય છે, ત્યાંથી ટપલાવાવ હનુમાન મંદિર, કોટકાળી માતા અને પૂજ્ય નારાયણ બાપુના તાજપુરા ગામ ખાતે રાત્રી રોકાણ કરે છે. તાજપુરાથી બીજે દિવસે મેડી-મદારના સિદ્ધનાથ મહાદેવના મંદિર થઈ ધાબાડુંગરી થઈ પરત વાઘેશ્વરી માતાના મંદિરે સમાપ્ત થાય છે. પરિક્રમા એક દિવસમાં પણ પૂર્ણ થઈ શકે છે, જેનો ૨૫ કિલોમીટરનો છે, જ્યારે બે દિવસની યાત્રા 44.31 કિમીનું અંતર કાપે છે. આજે સવારે 9:30 કલાકેે શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે મહાઆરતી બાદ સંતો અને મહાનુભાવો દ્વારા પરિક્રમાને પ્રસ્થાન કરાવવામાં આવશે. પરિક્રમામાં સામેલ થવા અને લાભ લેવા જિલ્લા કલેકટર અમિત અરોરાએ આમંત્રણ પાઠવ્યું છે.

(5:34 pm IST)