Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

અજમેર બ્લાસ્ટ કેસ : આરોપી નાયર બે દિવસના રિમાન્ડ પર

એનઆઇએ આરોપીને જયપુરની કોર્ટમાં રજૂ કરશે : એનઆઇએની ટીમ હવે સુરેશ નાયરની અજમેર બ્લાસ્ટ કેસમાં પૂછપરછ અને તપાસ હાથ ધરી વધુ વિગત મેળવશે

અમદાવાદ, તા.૨૫ : ૨૦૦૭ના અજમેર બ્લાસ્ટમાં નાસતા ફરતાં આરોપી સુરેશ દામોદર નાયરની ગુજરાત એટીએસએ ભરૂચના શુકલતીર્થ ખાતેથી ગઇકાલે ધરપકડ કર્યા બાદ પોલીસે આજે તેને મીરઝાપુર વિસ્તારમાં આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં કોર્ટે આરોપી સુરેશ નાયરના બે દિવસના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેને પગલે હવે અજમેર બ્લાસ્ટની તપાસનીશ એજન્સી એનઆઇએ આરોપી સુરેશ નાયરને જયપુર લઇ જઇ ત્યાંની કોર્ટમાં રજૂ કરી શકશે. અજમેર દરગાહ બ્લાસ્ટ કે જેની તપાસ એનઆઇએ દ્વારા ચાલી રહી છે, તેમાં આરોપી સુરેશ દામોદર નાયર વોન્ટેડ હતો. આરોપી સુરેશ નાયર મૂળ ખેડા જિલ્લાના ઠાસરાનો વતની છે અને અજમેર દરગાહ ખાતેના બ્લાસ્ટમાં તેની સક્રિય સંડોવણી બહાર આવી હતી, ત્યારથી તે નાસતો ફરતો હતો. ગઇકાલે તેને એટીએસની ટીમે ભરૂચના શુકલતીર્થમાંથી ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગત તા.૧૧-૧૦-૨૦૦૭ના રોજ અજમેર દરગાહ ખાતે એક બોંબ મૂકાયો હતો, જેનો વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત નીપજયા હતા, જયારે અન્ય ૧૭ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ગુજરાત એટીએસના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરેશ નાયર આગામી દિવસોમાં ભરૂચના શુકલતીર્થની મુલાકાત લેવાનો છે અને તેથી એટીએસની ટીમે બહુ ગુપ્તતાપૂર્વક લાંબા સમયથી શુક્લતીર્થ ખાતે વોચ ગોઠવી હતી. દરમ્યાન સુરેશ નાયર ત્યાં આવતાં જ એટીએસના અધિકારીઓએ તેને ધરદબોચી લીધો હતો અને તેને વધુ પૂછપરછ અર્થે અમદાવાદ લઇને આવી હતી. એટીએસની ટીમ દ્વારા તેની ઝીણવટભરી પૂછપરછ અને તપાસ હાથ ધર્યા બાદ તેને હવે એનઆઇએ અજમેર બ્લાસ્ટ કેસની તપાસ માટે જયપુર લઇ જશે. આરોપી સુરેશ નાયર પર રૂ. બે લાખનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું હતું. એનઆઇએ દ્વારા અત્યારસુધી હાથ ધરાયેલી તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, સુરેશ નાયરે કથિતરૂપે બોંબનો સામાન બીજા આરોપીઓને સપ્લાય કરી હતી અને તે પોતે પણ ગુનાની જગ્યાએ જે તે વખતે હાજર હતો. ટ્રાયલ કોર્ટ દ્વારા અજમેર દરગાહ બ્લાસ્ટ કેસમાં કેટલાક આરોપીઓને જન્મટીપની આકરી સજા ફટકારવામાં આવી હતી.

(8:10 pm IST)