Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

તલાટી-કારકૂનની ૨૮૦૦ જગ્યાઓ માટે ૩૩ લાખ અરજીઓ, ઉમેદવારોને એક જિલ્લો પસંદ કરવાની તક આપવાની વિચારણા

એકથી વધુ જિલ્લામાં અરજી કરવાની છુટ હોવાથી આંકડો કલ્પના બહારનો થઇ ગયોઃ પરીક્ષા કેમ લેવી? સરકાર દ્વિધામાં

રાજકોટ, તા. ૨૬ :. રાજ્ય સરકારના તાબા હેઠળની વિવિધ જિલ્લા પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી અને જુનિયર કલાર્કની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. જેમાં ઉમેદવારોએ અભૂતપૂર્વ ધસારો કર્યો છે. તલાટીની ૧૮૦૦ અને કલાર્કની ૧૦૦૦ મળી કુલ ૨૮૦૦ જેટલી જગ્યાઓ માટે ૩૩ લાખ જેટલી અરજીઓ આવતા સરકાર ચોંકી ઉઠી છે. દરેક ઉમેદવારને પોતે ઈચ્છે તેટલા જિલ્લામાં અરજી કરવાની છૂટ મળી હોવાથી અરજીનો આંકડો ખૂબ મોટો થઈ ગયાનું સરકારનું તારણ છે તેથી હવે પરીક્ષાની વ્યવસ્થાની સરળતા માટે દરેક ઉમેદવારને પસંદગીનો કોઈપણ એક જિલ્લો પસંદ કરી લેવાની તક આપવાની વિચારણા થઈ રહ્યાનું જાણવા મળે છે.

અનામત વર્ગના ઉમેદવાર માટે ફોર્મ સાથે કોઈ ફી ભરવાની હોતી નથી. તમામ વર્ગના ઉમેદવારોને વન ટાઈમ રજીસ્ટ્રેશનનો લાભ મળે છે એટલે કે એક વખત ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી બીજી પરીક્ષામાં નવેસરથી આખુ ફોર્મ ભરવાનુ રહેતુ નથી. કોઈ સુધારો હોય તો તેટલી જ પ્રક્રિયા કરી ઉમેદવાર ફરીથી ઓનલાઈન ફોર્મ મોકલી શકે છે. આ બન્ને કારણસર એકથી વધુ જિલ્લામાં અરજી કરવાનું પ્રમાણ વધ્યાનું બહાર આવેલ છે.

મોટાભાગની જિલ્લા પંચાયતની પસંદગી સમિતિએ અરજીઓના ડુપ્લીકેશનના કારણે ઉદભવેલી પરિસ્થિતિના નિરાકરણ માટે ઉમેદવારોને કોઈપણ એક જિલ્લો પસંદ કરી લેવાની જોગવાઈ કરવા સરકારને દરખાસ્ત કરી છે. દરેક જિલ્લામાં સરખી કેડરની પરીક્ષા સમાન સમયે જ લેવાનાર હોવાથી ઉમેદવારે એકથી વધુ જિલ્લામાં અરજી કરી હોય તો પણ પરીક્ષા તો કોઈપણ એક જ જિલ્લામાં આપી શકે તેવી પરિસ્થિતિ છે. સરકારે તેણે જ્યાં ફોર્મ ભર્યુ હોય તે તમામ જિલ્લામાં તેની પરીક્ષાની વ્યવસ્થા કરવી પડે. રાજકીય પક્ષોને પણ બેરોજગારીના મુદ્દે મોટા આંકડાથી સરકારને ભીડવવાનો મોકો મળે છે. આ પરિસ્થિતિ નિવારવા પરીક્ષા લેતા પૂર્વે ઉમેદવારો કોઈપણ એક જિલ્લાની પસંદગી કરી લ્યે તેવી જોગવાઈ કરવાનું વિચારાધીન છે. જે તે જિલ્લા સમિતિ જાહેરાત આપી ઉમેદવારને પસંદગીના એક સિવાયના બાકીના જિલ્લામાંથી અરજી ઓનલાઈન પાછી ખેંચવાનો સમય આપે તેવી શકયતા છે. જે ઉમેદવારોએ માત્ર એક જ જિલ્લા માટે ફોર્મ ભર્યુ છે તેણે આવી કોઈ પ્રક્રિયા કરવાની રહેશે નહિં. સરકાર દ્વારા એક જિલ્લો પસંદ કરાવવાની વિચારણા ચાલી રહી છે. હજુ કોઈ આખરી નિર્ણય થયો નથી.

તલાટી અને જુનિયર કલાર્ક માટે અલગ અલગ દિવસે પરીક્ષા લેવાશે. એક જ ઉમેદવાર બે અલગ અલગ પરીક્ષા આપી શકશે પરંતુ એક જ પરીક્ષા માટે એકથી વધુ ફોર્મ ભર્યા હોય તો પસંદગી કરવાની ઘડી આવશે. ૨૦૧૯ના પ્રારંભે બન્ને કેડરની પરીક્ષા લેવાય તેવા હાલના સંજોગો છે.(૨-૧૯)

(3:33 pm IST)