Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

સૌરાષ્‍ટ્રના લોકોએ દિવાળી પર્વ ઉજવવા વતનની વાટ પકડતા સુરત એસ.ટી. તંત્રની બીજા દિવસની આવક ૧.૨૧ કરોડને પાર

અમદાવાદ :સમગ્ર દેશમા દિવાળીના પર્વને ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. સુરતમાં પણ દિવાળીના પર્વને લઇ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દર વર્ષે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસી લોકો પોતાના વતન દિવાળીના પર્વની ઉજવણી માટે જતા હોય છે, ત્યારે એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તરફ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામા આવ્યું છે. દિવાળીના પહેલા જ દિવસે એસટી વિભાગે 50 લાખની આવક થઇ હતી. ત્યારે બીજા દિવસે આ આવક સીધી 1.21 કરોડને પાર થઇ ગઇ હતી. અત્યાર સુધી 85 હજારથી વધુ મુસાફરોએ એસટી બસની સુવિધા લીધી છે.

સુરતના એસ.ટી વિભાગને દિવાળી ફળી છે. બીજા દિવસે રૂ 1.23 કરોડની આવક થઈ હતી. તો 50 હજાર મુસાફરોએ એસટી બસનો લાભ લીધો હતો. તો પહેલા દિવસે 51 લાખની આવક થઈ હતી. પહેલા દિવસે 428 ટ્રીપમાં 21106 મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, દિવાળીના દિવસ સુધી સુરત એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામા આવશે. રોજેરોજ 450 થી વધુ ટ્રીપો સૌરાષ્ટ્ર તરફ મારવામાં આવી રહી છે. આ સાથે વેકેશન પૂરુ થતા જ એસટી દ્વારા સૌરાષ્ટ્રથી સુરત આવવા માટે પણ સુવિધા ઉભી કરવામા આવી છે. દર વર્ષે એસટીના મુસાફરોની સંખ્યા વધતી જઇ રહી છે. જેનો સીધો ફાયદો એસટી વિભાગને થઇ રહ્યો છે.

અમદાવાદમાં પણ બસ વધારાઈ

તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને અમદાવાદ એસટી વિભાગ દ્વારા બસોની ફ્રિકવન્સીમાં વધારો કરાયો છે. 1500 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં બસો દોડાવવામાં આવશે. તો આંતરરાજ્ય બસો પણ દોડાવવામાં આવશે. અમદાવાદથી શિરડી, નસિક, માઉન્ટ આબુ અને અન્ય સ્થળો પર એસટી બસો ચાલશે.

(4:07 pm IST)