Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ શહેર અને જિલ્લામાં એક્ટિવ આંકડો ઘણો ચિંતાજનક

જિલ્લામાં એક્ટિવ કેસો 4300ને પાર અને શહેરમાં 3500થી વધુ : બેડ, ઓક્સિજન, ICUની ઘટ હોવાનો AMAનો દાવો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે હાલમાં રોજ કેસની સંખ્યા 1400ને પાર પહોંચે છે ફરીથી અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં સતત કોરોનાના એક્ટિવ કેસો સતત વધી રહ્યાં છે. હાલમાં અમદાવાદ જિલ્લામાં એક્ટિવ કેસો 4300ને પાર પહોંચ્યા છે જયારે શહેરમાં એક્ટિવ કેસ 3500થી વધુ છે જે ચિંતાજનક છે .

 અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ અમદાવાદમાં વધી રહેલા કોરોનાના એક્ટિવ કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. માત્ર એટલું જ નહીં, તેઓએ તો એવો દાવો કર્યો છે કે, અમદાવાદમાં બેડ, ઓક્સિજન, ICUની ઘટ છે. જેથી શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને કારણે AMA દ્વારા રાજ્ય સરકાર પાસે મહત્વની માંગ કરવામાં આવી છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશને (AMA) અમદાવાદના દર્દીઓને પ્રાથમિક સુવિધા આપવાની માંગ કરી છે. અન્ય રાજ્ય અને અન્ય જિલ્લાઓમાંથી પણ શહેરમાં અવરજવર વધતા કેસોમાં વધારો થયો હોવાનો પણ AMA એ દાવો કર્યો છે. છેલ્લાં એક સપ્તાહમાં 250 જેટલાં કેસો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આવેલા હોવાનું નોંધાયું છે. AMAએ દાવો કર્યો છે કે હાલમાં અમદાવાદમાં બેડ, ઓક્સિજન અને ICUની ઘટ પડી રહી છે. ઉપરાંત હાલની સ્થિતિને જોતા અમદાવાદના સ્થાનિક દર્દીઓની સારવાર પણ ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વ અને ભારતની જેમ કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ પણ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લાં કેટલાંક દિવસોથી રાજ્યમાં સતત 1400થી પણ વધુ પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યાં છે. એ જોતા ગઇ કાલે શુક્રવારના સાંજના કોરોનાના આંકડા  જોતા વધુ 1442 પોઝિટિવ કેસોનો ઉમેરો થયો છે. જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે. ગુજરાતમાં કોવિડ-19નાં કુલ કેસોની સંખ્યા વધીને 1,30,391એ પહોંચી ગઈ છે. જે એક ચિંતાજનક આંકડો છે.

જ્યારે વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 3369એ પહોંચી ગયો છે. જ્યારે 1279 લોકો છેલ્લાં 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. આ સાથે અત્યાર સુધી કુલ 1,10,490 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને રાજ્યમાં દર્દીના સ્વસ્થ થવાનો દર 84.74 ટકાએ પહોંચ્યો છે. ગઇ કાલે રાજ્યમાં 61,912 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. કુલ 1442 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને 1279 લોકો કોરાનાને મ્હાત આપી ચૂક્યાં છે

(11:58 am IST)