Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

બનાસકાંઠાના પારપડા ગામમાં લાઉડ-સ્પીકર્સથી એજ્યુકેશન

મોબાઇલ કે ડેટા પોસાતા ન હોવાથી ઓનલાઇન શિક્ષણથી વંચિત વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શિક્ષકોએ અપનાવી નવતર શૈલી : પંચાયત ઓફિસમાં બેસીને શિક્ષકો ૧૬ સ્થળે લાઉડ-સ્પીકર્સ મૂકીને વિદ્યાર્થીઓને કરાવે છે અભ્યાસ

મુંબઇ તા. ૨૬ : કોરોનાના કારણે નાગરિકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે ત્યારે સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને ઓનલાઇન શિક્ષણ લેવું પડી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર પાસે આવેલા ૧૫૦૦ની વસ્તી ધરાવતા પારપડા ગામની પ્રાથમિક શાળા છે. ગામના બધા જ વાલીઓ પાસે સ્માર્ટ - એન્ડ્રોઇડ ફોન ન હોવાથી ઓનલાઇન શિક્ષણથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે ગામની શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અભ્યાસ કરાવવા લાઉડ-સ્પીકર્સથી અભ્યાસ કરાવવાની નવતર શૈલી અપનાવી છે અને તે સફળ બની રહી છે. આ ગામ નાનું હોવાથી ગામમાં આવેલા જુદા જુદા વાસ, મહોલ્લા તેમ જ ગામના ચોકમાં લાઉડ-સ્પીકર્સ મૂકવામાં આવ્યાં છે. રોજ સવારે ૮થી ૧૧ દરમ્યાન પંચાયત આઙ્ખફિસમાં બેસીને શિક્ષકો માઇકમાં બોલીને ધોરણ ૧થી ૮ના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને લાઉડ-સ્પીકર્સની મદદથી એક પછી એક એમ જુદા જુદા વિષયોનો અભ્યાસ કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ તેમના ઘરમાં બેસીને કે પછી ઘરની ઓસરીમાં, વાસ કે મહોલ્લાના નાકે, વડના ઓટલે કે ગામના ચોકમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે.

ગામની પ્રાથમિક શાળાના શિક્ષક શૈલેષ રાવલે કહ્યું હતું કે 'અમે શિક્ષકો એકઠા થઈને મીટિંગ કરીને ગામના સરપંચ રમેશ ચૌધરીને વાત કરી કે દરેક વાસમાં માઇક સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવે તો લાઉડ-સ્પીકર્સની મદદથી ગામનાં બધાં બાળકોને અભ્યાસ કરાવી શકાય. તેમને આ સૂચન યોગ્ય લાગ્યું અને ગામમાં ૧૬ સ્થળોએ લાઉડ-સ્પીકર્સ મૂકવામાં આવ્યાં છે. બાળકોને અભ્યાસ કરાવવા માટે સોમવાર, બુધવાર અને શુક્રવારે ધોરણ ૧થી ૫ના વિદ્યાર્થીઓને અને મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓને સવારે ૮થી ૧૧ વાગ્યા દરમ્યાન શિક્ષકો અભ્યાસ કરાવે છે. રોજ ત્રણ શિક્ષકો અભ્યાસ કરાવે છે. ૪૫ મિનિટ સુધી એક વિષય ભણાવવામાં આવે છે. શિક્ષકો ગામની પંચાયત ઓફિસમાં બેસીને માઇકમાં બોલીને અભ્યાસ કરાવે છે. એક શિક્ષક અભ્યાસ કરાવતા હોય ત્યારે બીજા શિક્ષક ગામમાં ફરે છે અને વિદ્યાર્થીઓનું ધ્યાન રાખે છે. જે વિષયનો અભ્યાસ કરાવવાનો હોય તે આગલા દિવસે વિદ્યાર્થીઓને કહી દેવામાં આવે છે જેથી બાળકો તે વિષયની બુક સાથે રાખે છે. જુલાઈ મહિનાથી આ રીતે અમે શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છીએ અને હવે આ રીતે અભ્યાસ કરવો વિદ્યાર્થીઓને ફાવી ગયું છે. હા કોઈ વિદ્યાર્થીને કોઈ વિષયમાં મુશ્કેલી હોય તો પંચાયત આઙ્ખફિસમાં આવીને શિક્ષકને મળીને જે તે વિષયની મુશ્કેલી દૂર કરે છે.'

'ગામના બાળકોના શિક્ષણ માટે શિક્ષકોને વિચાર આવ્યો અને તેનો અમલ કરતાં પંચાયત ઓફિસે બાળકોના અભ્યાસ માટે માઇક સિસ્ટમ ખરીદી અને તેની સાથે સીસીટીવી સિસ્ટમ પણ ખરીદીને ગામમાં ઇન્સ્ટોલ કરી. ગામમાં અલગ અલગ વાસ તેમ જ ગામના ચોકમાં પણ સ્પીકર્સ લગાવ્યાં છે. બાળકો વડ નીચે બેસીને પણ અભ્યાસ કરી રહ્યાં છે. પહેલાં બાળકો ઘરે ભણી શકતાં નહોતા, હવે છેલ્લા ત્રણેક મહિનાથી સ્પીકર્સના કારણે બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.'

(10:09 am IST)