Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અમદાવાદમાં સતત બીજા દિવસે પણ થયેલો વરસાદ

બપોર બાદ શહેરના હવામાનમાં ફરીથી પલ્ટો : શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : ધોળકા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ ભારે વરસાદ ખાબકી ગયો

અમદાવાદ, તા.૨૬ : અમદાવાદ શહેરમાં આજે સતત બીજા દિવસે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ઠંડો પવન ફુંકાવાની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં આજે બપોર પછી ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને સમગ્ર વાતાવરણમાં એકદમ ઠંડક છવાઇ ગઇ હતી. પૂર્વના નીચાણવાળા વિસ્તારોમાં બપોર બાદના વરસાદને લઇ થોડા પાણી ભરાઇ ગયા હતા. તો, અચાનક જ હવામાનમાં પલ્ટા બાદ ધોધમાર વરસાદ તૂટી પડતાં વાહનચાલકો અને નાગરિકો રસ્તામાં અટવાયા હતા. બીજીબાજુ, અમદાવાદ જિલ્લાના ધોળકા, કેલિયાવાસણા, બદરખા, ચંડીસર સહિતના પંથકોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

           આ પંથકોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી ફરી એકદમ ઉઘાડ નીકળ્યો હતો અને વાતાવરણ સ્વચ્છ હોવાની સાથે સાથે ગરમી અને ઉકળાટનો અનુભવ શહેરીજનો કરી રહ્યા હતા ત્યારે બપોરે બે-અઢી વાગ્યા બાદ અચાનક જ શહેરના વાતાવરણ અને હવામાનમાં નોંધનીય પલ્ટો આવ્યો હતો. ખાસ કરીને શહેરનું વાતાવરણ એકદમ વાદળછાયુ બની ગયુ હતું અને આકાશમાં એકદમ કાળાડિબાંગ વાદળો ઘેરાઇને છવાઇ ગયા હતા. થોડીવારમાં તો અચાકન ઠંડો પવન ફુંકાવાની સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.  શહેરના પૂર્વ અને પશ્ચિમ તેમ જ નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં ખાસ કરીને પૂર્વના ખોખરા, હાટકેશ્વર, જશોદાનગર, ઓઢવ, ઇસનપુર, વટવા, પીપળજ, રાયપુર, મણિનગર, વસ્ત્રાલ, લાલદરવાજા, નરોડા, અમરાઇવાડી, ઘોડાસર, વેજલપુર, વાસણા, તો પશ્ચિમમાં એસજી હાઇવે, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, ગુરૂકુળ, મેમનગર, નારણપુરા, દર્પણ છ રસ્તા, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે અને ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

           ખાસ કરીને પૂર્વના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાની વધુ ફરિયાદો સામે આવી હતી. બપોર બાદના ધોધમાર વરસાદને લઇ શહેરનું સમગ્ર વાતાવરણ એકદમ ઠંડકમય અને ખુશનુમાભર્યુ બની ગયુ હતુ. શહેરીજનોએ ગરમી અને ભારે ઉકળાટથી વરસાદી ઠંડકને લઇ ભારે રાહત અનુભવી હતી. જો કે, બપોર બાદ શહેરમાં અચાનક વરસાદ તૂટી પડતાં શહેરીજનો ખાસ કરીને વાહનચાલકો રસ્તામાં અટવાયા હતા. વરસાદને લઇ શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજીબાજુ, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ખાસ કરીને ધોળકા, કેલિયાવાસણા, બદરખા, ચંડીસર સહિતના પંથકોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદને લઇ સારા એવા પાણી ભરાઇ ગયા અને ત્યાં પણ વાતાવરણ એકદમ ઠંડકમય બની ગયુ હતું.

(8:28 pm IST)