Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

એકતરફી પ્રેમમાં પાગલ યુવક પ્રેમિકાની ક્રૂર હત્યા કરી ફરાર

હત્યા કરી ફરાર થયો પરંતુ કલાકોમાં જ ઝડપાયો : પોલીસની ઉંડી તપાસ : યુવકે ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતી, એરહોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીની હત્યા કરી

અમદાવાદ, તા.૨૬ : શહેરના આંબાવાડીમાં આવેલી ફાઈનાન્સ તેમજ એડવોકેટ એવા બે ભાઇની ઓફિસમાં ડેટા એન્ટ્રીનું કામ કરતી યુવતીની ગઇકાલે બપોરેના સમયે માત્ર ત્રણ જ મિનિટમાં હત્યા કરી ફરાર થઇ ગયેલા આરોપી નરેશ સોઢાને શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે અરવલ્લીના બાયડ તાલુકાના અમલીયારા ગામથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી નરેશ સોઢાની આકરી પૂછપરછ હાથ ધરી સમગ્ર હત્યા કેસનું મૂળ કારણ અને ભેદ ઉકલેવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ગઇકાલે હત્યા વખતે ઓફિસના સીસીટીવીમાં કેદ થયેલી હત્યારા યુવાનની તસ્વીરોના આધારે યુવતીના પરિવારના સભ્યોએ હત્યારા યુવાનને ઓળખી બતાવ્યો હતો.

          મરનાર યુવતી અને હત્યારો યુવાન એક બીજાને સારી રીતે ઓળખતા હતા અને હત્યારો યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હોવાથી તેને હેરાન પરેશાન કરતો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ નડિયાદના પ્રગતિનગર જેલ એરીયામાં રહેતી ઈશાની સંદિપભાઇ પરમાર(ઉ.વ.સાડા સત્તર) એક ખાનગી કંપનીમાં એરહોસ્ટેસનો કોર્સ કરતી હતી. છેલ્લા છ મહિનાથી આંબાવાડી છડાવાડ પોલીસ ચોકીની ગલીમાં અમૂલ્ય કોમ્પ્લેક્ષમાં આવેલી મહેમુદ સંઘાણીયા અને તેમના ભાઇની ઓફિસમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરતી હતી. બુધવારે બપોરે ઈશાની તેમજ તેની સાથે ડેટા એન્ટ્રીનું કામ કરતો યુવાન ઓફિસમાં હાજર હતા ત્યારે ૩.૩૦ વાગ્યે તે યુવાન ચા પીવા અને મસાલો ખાવા નીચે ગયો હતો અને ત્રણ મિનિટમાં પાછો આવ્યો અને જોયું તો ઈશાની લોહી લુહાણ હાલતમાં ઓફિસમાં પડી હતી. ઓફિસમાં તેમણે બુમાબુમ કરતા આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા. આ અંગે ૧૦૮ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ ની ટીમે તપાસ કરતા ઈશાની મૃત્યુ પામી હતી. જ્યારે આ અંગે એલિસબ્રિજ પીઆઈ અપૂર્વ પટેલે જણાવ્યું હતું કે, ઈશાનીને ગળાના ભાગે અને પેટના ભાગે છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ અંગે પોલીસે ઈશાનીના પરિવારના સભ્યોને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા.

        ઈશાની નોકરી કરતી હતી તે ઓફિસમાં સીસીટીવી નહીં હોવાથી પોલીસે બહારના સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં એક યુવાન ઈશાનીની ઓફિસમાં આવતો અને બહાર જતો દેખાયો હતો. ઈશાનીના પરિવારના સભ્યોએ તે યુવાનને જોઇને ઓળખી કાઢયો હતો. તે યુવાન નડિયાદમાં જ રહેતો નરેશ સોઢા હોવાનું જાણવા મળ્યું હતું. બુધવારે બપારે નરેશ સોઢા ઈશાનીની ઓફિસની બહાર વોચમાં બેઠો હતો. આરોપી નરેશ અને ઈશાની નાનપણથી જોડે ભણીને મોટા થયા હતા. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી પરંતુ નરેશ તે મિત્રતાને પ્રેમ સમજતો હતો. જેથી તે ઘણા સમયથી ઈશાનીને પ્રેમ સબંધ બાંધવા પાછળ ફરીને હેરાન પરેશાન કરતો હતો. ઈશાનીએ તેના પિતાને આ અંગે જાણ કરતા તેમણે થોડા દિવસ અગાઉ નરેશને ઠપકો આપ્યો હતો તેમજ ૧૫ દિવસ અગાઉ ઈશાનીના પિતાએ નરેશને ઠપકો આપ્યો હતો. ક્રાઇમબ્રાંચે આરોપીને ઝડપી લીધા બાદ હવે એક પછી એક ખૂટતી કડીઓ મેળવવાની દિશામાં તપાસ આરંભી છે.

(8:21 pm IST)