Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

પંચમહાલના કાલોલ તાલુકાના વેજલપુરમાં પોસ્ટ એજન્ટ ભાવેશ સુથાર અનેક લોકોના પૈસા ચાઉં કરી જતા પોલીસ ફરિયાદ

પંચમહાલ : પંચમહાલના કાલોલ તાલુકા વેજલપુર ગામે ભાવેશ સુથાર નામનો વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી વેજલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પોસ્ટ એજન્ટ તરીકે કામ કરતો હતો. ભાવેશનો આ વારસાગત ધંધો હોય પોસ્ટના હજારો ગ્રાહકો તેને વારસામાં મળ્યા હતા. આટલા વર્ષોથી પોસ્ટ એજન્ટ તરીકે કામ કરતા ભાવેશ પર લોકો આંધળો વિશ્વાસ કરી હજારો લાખો રૂપિયા આપી દેતા હતા. ભાવેશે પેઢીગત સંપાદિત કરેલા ગ્રાહકોના વિશ્વાસનો દુરુપયોગ કરી ગ્રાહકોના રૂપિયા પોસ્ટમાં જમા ન કરાવી પોતે જ ચાઉં કરી ગયો હતો.

વૈભવી જીવન શૈલી જીવવા ટેવાયેલો ભાવેશ વેજલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોના રૂપિયા લઈ હાલ ફરાર થઇ ગયો છે. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે, આ સમગ્ર મામલે એજન્ટ ભાવેશે ડુપ્લીકેટ પાસબુકો છપાવીને ગ્રાહકો ને છેતર્યા છે. અને સાથે જ એકાઉન્ટ નંબરો પણ ખોટા અને એક જ નંબર અલગ અલગ વ્યક્તિઓના નામે પાસબુકો પર લખીને આપી દીધા હતા. જો કે એજન્ટ ભાવેશે લોકોને એટલા વિશ્વાસમાં લીધા હતા કે આજદિન સુધી પોસ્ટ કચેરીએ ગ્રાહકો તપાસ કરવા સુદ્ધા ગયા ન હતા.

ભાવેશના થકી પોસ્ટમાં રોકાણ કરનારા ગ્રાહકો તો એટલે સુઘી આક્ષેપો કરી રહ્યા છે કે પોસ્ટના જે તે વખતના અધિકારીઓની મીલીભગતથી જ ભાવેશ આખી પોસ્ટ ઓફિસ પોતે જ ચલાવતો હતો. પૈસા ખાતામાંથી ઉપાડવા હોય કે ખાતામાં ભરવા હોય તમામ પ્રકારના વ્યવહારો ભાવેશની હાજરી સિવાય નહોતા થતા. ત્યારે પોસ્ટની ડુપ્લીકેટ પાસબુકમાં વ્યવહારોની એન્ટ્રી અને પોસ્ટ માસ્ટરની સહી કેવી રીતે આવી તે પણ એક સવાલ છે.

એજન્ટ ભાવેશ સુથાર ગુમ થયા બાદ ડઘાઈ ગયેલા ગ્રાહકો જયારે પોસ્ટમાં પોતાની પાસબુક લઈને બેલેન્સ ચેક કરાવવા માટે પહોંચ્યા ત્યારે આવું કોઈ ખાતું પોસ્ટમાં ન હોવાનું જાણી રીત સરના આંચકો લાગ્યો હતો. કોઈએ પોતાના દીકરાના લગ્ન માટે તો કોઈએ દીકરાના અભ્યાસ માટે તો કોઈએ ભવિષ્યના પ્લાનિંગ લઈને મહેનત મજૂરી કરીને રોકેલા રૂપિયા લઇ એજન્ટ ભાવેશ ફરાર થઇ જતા હાલ હજારો રોકાણકારો ચિંતામાં મુકાયા છે.

બીજી તરફ પોસ્ટ વિભાગ મોડે મોડે જાગ્યું છે અને ગઈ કાલે જ આ સમગ્ર મામલો પોસ્ટના ધ્યાને આવ્યો હોવાનું રટણ જિલ્લા પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ કરી રહ્યા છે. ત્યારે આ છેતરપિંડી મામલે તપાસ માટે એક ટીમ નીમી આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને એક સપ્તાહમાં જ તપાસ કરી રિપોર્ટ કરવા જણાવેલ હોવાનું કહી રહ્યા છે.

પોસ્ટ એજન્ટની છેતરપિંડી મામલે હાલ કોઈ ચોક્કસ આધારભૂત આંકડો હજી સુધી બહાર આવ્યો નથી પરંતુ કે રીતે દરરોજ વેજલપુર પોસ્ટ ઓફિસ ખાતે રોકાણકારોના ટોળા જોવા મળી રહ્યા છે. અને રોકાણકારો જ જણાવી રહ્યા છે તે રીતે આ છેતરપિંડી માં હજારો રોકાણકારોના લાખો રૂપિયા ડૂબ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

(5:51 pm IST)