Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ગુજરાત યુનિ.નું કુલપતિ પદ ફરી વિવાદમાં ગુજરાત હાઇકોર્ટમાં થયેલ પીટીશન

પાટણ તા ૨૬  :  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ડો. અનિલ નાયકની ઇન્ચાર્જ કુલપતિ તરીકે નિમણુંક કરવામાં આવી હોવાથી ગુજરાત હાઇકોર્ટમાં કો વોરંટો નામની પીટીશન સુજાણપુર કોલેજના ટ્રસ્ટી દશરથભાઇ પટેલ દ્વારા દાખલ કરતા યુનિવર્સિટીમાં કુલપતિ પદ ફરીવાર વિવાદમાં આવી ગયું છે. જેને લઇને  યુનિવર્સિટીમાં  આ બાબતે જબરજસ્ત ચર્ચાનો વિષય બની છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી રાજકીય વિવાદો અને રાજકારણનો અડ્ડો બની હોય તેમ જણાય છે. સરસ્વતીનું પવિત્ર યાત્રાધામ જેને કહેવામાં આવે છે. તે વારંવાર ચર્ચાના એરણે ચઢતા ભણતા વિદ્યાર્થીઓ ઉપર પણ ગંભીર અસરો પડી રહી છે.

યુનિ. ના કુલપતિ બી.એ. પ્રજાપતિ બાદ હાલના કુલપતિ અનીલ નાયક પણ વિવાદમાં સપડાયા છે.

ઇનચાર્જ કુલપતિશ્રી નાયકની નિમણુંક હાઇકોર્ટમાં પડકારી અધ્યાપકમાંથી  લાયકાત  વગર ડીન બનાવી  કુલપતિનો ચાર્જ સોપાયાની દલીલ બાદ સુજણપુરના ડી.આઇ. પટેલે કરેલી પીટીશન કોર્ટમાં દાખલ કરી છે.

લાયકાત નહીં પણ  લાગવગથી કુલપતિ તરીકે નિમણુંક કરાઇ હોવાનો ડી.આઇ. પટેલે આક્ષેપ કર્યો છે.

આ અંગે કુલપતિ શ્રી નાયકે જણાવ્યા અનુસાર, મારી નિમણુંક યોગ્ય રીતે જ થઇ છે. કોઇ નોટીસ મને મળી નથી.

યુનિવર્સિટીની આ બાબત ચર્ચાના એરણે ચઢી છે. વારંવાર યુનિવર્સિટીમાં થતાં વિવાદોથી વિદ્યાર્થી અને શિક્ષક જગતમાં ચર્ચા જાગી છે.

(1:10 pm IST)