Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે ૧૭ વર્ષની ઈશાની પરમારનું ગળુ કાપી ક્રૂર હત્યા કરી...

રાજકોટઃ અમદાવાદના આબાંવાડીની છડાવાડ પોલીસ ચોકી પાસેના અમુલ્ય કોમ્પ્લેકસમાં ત્રીજા માળે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટની ફાઈનાન્સની ઓફીસમાં બુધવારે બપોરે ૨:૩૦ વાગ્યે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે એરહોસ્ટેસ ટ્રેનિંગ કોર્ષની વિદ્યાર્થીનીનું ચાકુ વડે ગળું રહેસી ઘાતકી હત્યા કરી હતી. પોલીસ કંટ્રોલરૂમને મળેલા મેસેજને પગલે ક્રાઈમબ્રાંચ અને એલિસબ્રીજ પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજને આધારે કિશોરીની હત્યાના આરોપી નરેશ સોઢાને ઓળખી લેવાયો છે. પોલીસને સ્થળ પરથી હત્યામાં વપેરાયેલું લોહીવાળું ચપ્પુ મળી આવ્યું છે.

નડિયાદની કર્મવીર સોસાયટીમાં રહેતાં પરિવાર સાથે રહેતાં અને ઘરડાઘરમાં કેરટેકર તરીકે ફરજ બજાવતાં સંદીપભાઈ પરમારના પરિવારમાં પત્ની અને બે પુત્રીનો સમાવેશ થાય છે. સંદીપભાઈના પત્ની નડીયાદની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. જયારે મોટી પુત્રી ઈશાની (ઉ.વ.૧૭)ની સીજી રોડ પર ફ્રેન્કલીન ઈન્સ્ટીટયુટ ઓફ એર હોસ્ટેસીસ ટ્રેનિંગ કલાસમાં કોર્ષ કરતી તેમજ છ માસથી અમુલ્ય કોમ્પ્લેકેસમાં આવેલા ફાઈનાન્સરની ઓફીસમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરતી હતી.

અમુલ્ય કોમ્પ્લેકસમાં ત્રીજા માળે ૩૧૦ નંબરની મહેમુદભાઈની ઓફીસમાં ઈશાની સાથે કામ કરતો યુવક નિલ દોશી ચા-નાસ્તો કરવા નીચે ગયો હતો. ચા-નાસ્તો કરીને નિલ ઓફીસમાં આવ્યો ત્યારે ગળું રહેંસી નાંખેલી અને પેટમાં ઘા મારેલી હાલતમાં લોહીના ખાબોચીયામાં પડેલો ઈશાનીનો મૃતદેહ જોઈ હેબતાઈ ગયો હતો. નિલે બનાવની જાણ કોમ્પ્લેકસના લોકોને કરીને પોલીસ કંટ્રોલરૂમને ફોન કર્યો હતો. બનાવને પગલે એલિસબ્રીજ પોલીસે સ્થળ પર પહોંતી તપાસ કરીને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજમાં બપોરે ૨:૩૪ વાગ્યે નરેશ સોઢા ઓફીસમાંથી બહાર નીકળીને નીચે જતો દેખાય છે.

પોલીસે ઈશાનીની ડેડબોડીને પીએમ અર્થે વીએસ હોસ્પિટલમાં મોકલીને આરોપી નરેશ સોઢા વિરૂદ્ઘ ગુનો દાખલ કરવાની તજવીજ કરી છે. ઈશાનીના પિતા સંદીપભાઈ અને માતા અને પરિવાર સભ્યો અમદાવાદ દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં એકતરફી પ્રેમમાં ઈશાનીની હત્યા કરનાર નરેશ સોઢા નડીયાદના જૂના બિલોદરા ગામે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

નડિયાદમાં આરોપી નરેશ સોઢા અને મૃતક ઈશાની સાથે જ અભ્યાસ કરતા હતા

નરેશ અને ઈશાની બંને સાથે અભ્યાસ કરતા હોવાથી એકબીજાને ઓળખતા હતા. જો કે, ઈશાનીના એકતરફી પ્રેમમાં પડેલા નરેશની હેરાનગતી વધી ગઈ હતી. એરહોસ્ટેસનો કોર્ષ શરૂ કરનાર ઈશાનીને નરેશએ રસ્તામાં રોકીને, તું આવા કપડાં કેમ પહેરે છે. તું બીજા છોકરાઓ સાથે શું કામ વાત કરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. આ બાબતે ઈશાનીના માતા-પિતાએ નરેશને ઠપકો આપી પુત્રીનો પીછો ના કરવા જણાવ્યું હતું.

(11:29 am IST)