Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ગુરૂનાનકજી માત્ર શીખ સમાજ નહિ પણ સમગ્ર દેશના રાહબર સંતઃ વિજયભાઇ રૂપાણી

ગુરૂનાનક દેવજીના પપ૦માં પ્રકાશ પર્વ નિમિત્તે ગુરૂગ્રંથ સાહેબની પાલખીયાત્રાનું અમદાવાદમાં મુખ્યમંત્રી દ્વારા સ્વાગત

અમદાવાદ તા.૨૬: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુરુનાનક માત્ર શીખ સમુદાયના નહીં પરંતુ ભારત દેશના માર્ગદર્શક સંત હતા. ગુરુ નાનકે દર્શાવેલા વીરતા  અને કુરબાનીના આદર્શો પર ચાલીને શીખ સમુદાય ગુલામી સામે લડ્યો હતો અને રાષ્ટ્રપ્રેમ ની મિશાલ તેને કાયમ કરી છે. ગુરૂ નાનક દેવજી ૫૫૦માં  પ્રકાશપર્વ નિમિત્તે  ગુરુગ્રંથ સાહેબની પાલખીયાત્રાનું અમદાવાદ માં સ્વાગત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર ગુરૂગ્રંથ  સાહેબની પાલખી પધારી એ ગુજરાતની માટે સૌભાગ્યની વાત છે. ગુજરાતના સદભાગ્ય  છે કે, ગુરુનાનકના પંચ પ્યારેમાંના એક મોહકમ સિહ ગુજરાતી  હતા. ગુજરાતના લખપત ગુરુદ્વારામાં ગુરુ નાનકજી રોકાયા હતા. એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત શીખ સંપ્રદાય વચ્ચે  અલગ અને આગવો સંબંધ છે. રાજ્ય સરકારે સંબંધનો આ સેતુ કાયમ રાખવા અનેક પગલા લીધા છે. લખપત અને બેટ દ્વારકાના ઐતિહાસિક ગુરુદ્વારા ને  નવપલ્લવિત કરવાનું કાર્ય આ સરકારે કર્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રંથ સાહેબની પાવન પાલખી તા ૧ જૂન ૨૦૧૯ ના  રોજ નનકાના સાહેબ પાકિસ્તાનથી નીકળી છે, જે ૨ નવેમ્બર ૨૦૧૯ ના રોજ સુલતાનપુર, પંજાબ ખાતે વિરામ પામશે. આ યાત્રા ના આવકાર વેળાએ ધારાસભ્ય જગદીશભાઇ  પંચાલ , લઘુમતિ વિકાસ નિગમના અધ્યક્ષા શ્રીમતી પરમજીત કૌર, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અગ્રણીઓ અને શિખ સમુદાયના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:28 am IST)